અમદાવાદ : અમદાવાદ શહેરની ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલ જંગી સરસાઈ સાથે જીત મેળવી છે.આ બેઠક પર ભૂપેન્દ્ર પટેલની જીતનું કારણ જોઈએ તો,ભૂપેન્દ્ર પટેલ 1995થી જનપ્રતિનિધી તરીકે અહી કામ કરી રહ્યા છે.પહેલા નગર પાલિકા પછી મનપા અને ત્યાર બાદ ધારાસભ્ય અને મુખ્યમંત્રીની ભૂમિકામાં લોકોના કામ કર્યા છે.
આ ઉપરાંત ભુપેદ્ર પેટલ સરળ સ્વભાવના છે.હજી સુધી તેઓ કોઇ વિવાદમાં રહ્યા નથી.જેથી લોકો તેમને પસંદ કરે છે.આ ઉપરાંત પાટીદાર સમાજમાં પણ તેઓ સારુ વર્ચસ્વ ધરાવે છે.જેનો ફાયદો તેમણે મળ્યો છે.ઘાટલોડિયા આમ તો શહેરી વિસ્તારની સીટ છે.આમ છતાં આ વિધાનસભામાં પાટીદાર મતો નિર્ણાયક છે,જેથી અહી ભાજપના પાટીદાર ઉમેદવાર જીત સરળ બની રહે છે.આજ બાબતનો ફાયદો આનંદીબેન પટેલને મળ્યો અને હવે ભૂપેન્દ્ર પટેલને પણ ફાયદો મળ્યો છે.આ ઉપરાંત 2022માં પણ ભાજપે મુખ્યમંત્રી ચહેરા તરીકે ભુપેન્દ્ર પટેલની જાહેરાત કરી છે.ઘાટલોડિયા વિધાનસભા સીટને ભાજપની સલામત સીટ માનવામાં આવે છે.આ સીટ પરથી આનંદીબેન પટેલ સૌથી વધુ મતોથી વિજેતા બન્યા હતા.જ્યારે આનંદીબેન પટેલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બન્યા,ત્યારબાદ આ સીટ પર આનંદીબેન જૂથના ભૂપેન્દ્ર પટેલ વિધાનસભા ચુંટણી લડ્યા હતા અને તેઓ પણ સૌથી વધુ લીડથી જીત મેળવી હતી.આ સીટ પર 2012માં આનંદીબેન પટેલને 1,10,395 મતોની લીડ મળી હતી. અમદાવાદની સરખેજ,નરોડા અને ઘાટલોડિયા એવી સીટ છે,જેમાં ભાજપને સૌથી વધુ લીડ મળે છે.
ભૂપેન્દ્ર પટેલ 2017માં પ્રથમવાર વિધાનસભા ચૂંટણી લડ્યા હતા.અમદાવાદની ઘાટલોડિયા સીટ પર ભૂપેન્દ્ર પટેલે કોગ્રેસના શશિકાંત પટેલને હરાવ્યા હતા.ભૂપેન્દ્ર પટેલને 2017ની ચૂંટણીમાં 1,17,000 મતોની લીડ મળી હતી.ભૂપેન્દ્ર પટેલ પ્રથમ વાર ધારાસભ્ય બન્યા હતા.જ્યારે વિજય રૂપાણીએ રાજીનામું આપ્યુ, ત્યારે ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકે પસંદગી થઇ.આમ પ્રથમવાર ધારાસભ્ય બન્યા અને સીધા સીએમની જવાબદારી મળી.તેમના રાજકીય કેરિયરની વાત કરીએ તો,ભૂપેન્દ્ર પટેલ 1995 અને 1996, 1999 થી 2000 અને 2004 થી 2006 દરમિયાન મેમનગર નગરપાલિકના પ્રમુખ રહ્યા હતા.
ભૂપેન્દ્ર પટેલ 2008 થી 2010 સુધી અમદાવાદ મનપા સ્કૂલ બોર્ડના ચેરમેન પદે રહ્યા હતા. 2010 થી 2015માં ભુપેન્દ્ર પટેલ થલતેજ વોર્ડના કાઉન્સિલર રહ્યા હતા. 2015 થી 2017 સુધી તેઓ ઔડાના ચેરમેન પદ પર રહ્યા હતા.આ ઉપરાંત ભુપેન્દ્ર પટેલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ પર રહી ચૂક્યા છે.


