સુરત: કોરોનાથી બચવા માટે હાલ માસ્ક અનિવાર્ય છે.રાજ્યમાં પણ માસ્ક પહેરવું ફરજિયાત છે. માસ્ક ન પહેરવા પર પોલીસ 1,000 રૂપિયાનો દંડ ફટકારી રહી છે.બીજી તરફ સુરતમાં પોલીસ માસ્કના નામ ઉઘાડી લૂંટ ચલાવી રહી હોય તેવો બનાવ સામે આવ્યો છે.માસ્ક માટે દંડના ટાર્ગેટને પૂરો કરવા માટે પોલીસ દુકાનોમાં ઘૂસીને વેપારીઓ પાસેથી દંડ વસૂલી રહી છે.આ મામલે એક વીડિયો પણ વાયરલ થયો છે.
કોરોના મહામારી વચ્ચે માસ્ક એક જ ઈલાજ છે ત્યારે સુરત પોલીસ માસ્કના દંડનો ટાર્ગેટ પૂરો કરવા માટે દુકાનોમાં ઘૂસીને દંડ વસૂલતી હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.વાહન ચેકિંગ અને ટ્રાફિક નિયમો બાદ હવે પોલીસ દુકાનોમાં ઘૂસીને દંડ ઊઘરાવી રહી છે.વાયરલ થયેલો વીડિયો સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટનો હોવાનું સામે આવ્યું છે.
વેપારીઓનો આક્ષેપ છે કે ટાર્ગેટ પૂરો કરવા માટે પોલીસ દુકાનદારોને હેરાન કરી રહી છે.જોકે,અહીં એક વાત નોંધવી રહી કે લોકો હજુ પણ કોરોનાને ગંભીરતાથી ન લેતા માસ્ક નથી પહેરી રહ્યા.આ જ કારણે પોલીસને દંડ ઊઘરાવવા માટે જાણે કે મોકળું મેદાન મળી ગયું છે.
આ અંગે જે સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે તેમાં એક પોલીસકર્મી એક કાપડની દુકાન પ્રવેશ કરીને માસ્કના દંડની વસૂલાત કરી રહ્યો છે.આ રીતે દંડની વસૂલાત કેટલી યોગ્ય છે તે અંગે વેપારીઓએ સવાલ ઊઠાવ્યા છે.વેપારીઓ દલીલ કરી રહ્યા છે કે શહેરમાં ગુનેગારો બેફામ બન્યા હોવાનું એક કારણ એ પણ છે કે પોલીસ તેમની સામે કડક કાર્યવાહી કરવાને બદલે માત્ર માસ્કનો દંડ ઉઘરાવવામાં વ્યસ્ત છે.
વેપારીઓ કહી રહ્યા છે કે સલાબતપુર પોલીસ તેમની હદમાં આવતી કાપડ માર્કેટમાં થતી છેતરપિંડી અને ઉઠામણાની તપાસ કરવાના બદલે ફક્ત માસ્કનો દંડ વસૂલવામાં વ્યસ્ત છે.પોલીસ અન્ય કામ પડતા મૂકીને માત્ર તેમને આપવામાં આવેલા દંડના ટાર્ગેટ પૂરા કરવામાં લાગી છે.પોતાનો નંબર આગળ કરવામાં લાગેલા અધિકારીઓના પાપે સુરતની પ્રજા હેરાન થઈ રહી હોવાની દલીલી કરવામાં આવી રહી છે.