અમદાવાદ, તા. ૧૬ : આઇપીએલ-૨૦૨૨ની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે તે લગભગ નક્કી થઈ ગયું છે.આઇપીએલની ફાઈનલ મેચ તારીખ ૨૯મી મેના રોજ અમદાવાદમાં રમાશે તેવો દાવો એક મીડિયા રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.ફાઈનલ અગાઉ આઇપીએલની ક્વોલિફાયર-ટુનું યજમાન પણ અમદાવાદ જ રહેશે.જેમાં ક્વોલિફાયર-વનમાં હારેલી અને એલિમિનેટરમાં જીતેલી ટીમ ટકરાશે.જ્યારે ક્વોલિફાર-૧ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાશે પણ તે અંગે હજુ બીસીસીઆઇ તરફથી સ્પષ્ટતા થઈ નથી.બીસીસીઆઇના સૂત્રો જણાવે છે કે,અમદાવાદમાં આઇપીએલની ફાઇનલ અને ક્વોલિફાયર-ટુનું આયોજન થશે તે લગભગ નક્કી જેવું જ છે.જોકે કોલકાતાને ક્વોલિફાયર-વન અને એલિમિનેટરની મેચની યજમાની આપવા અંગે હજુ સ્થિતિ સ્પષ્ટ નથી.ટૂંક સમયમાં અંતિમ નિર્ણય લઈને આ મામલે જાહેરાત કરી દેવામાં આવશે.ચાલુ વર્ષે ૧૦ આઇપીએલ ટીમો વચ્ચે ખેલાઈ રહેલા મુકાબલામાં કુલ ૭૪ મેચીસ રમાશે.અલબત્ત, બીસીસીઆઇ ટૂંક સમયમાં જ આ મામલે સત્તાવાર જાહેરાત કરશે તેમ મનાય છે.કોરોનાના કારણે બીસીસીઆઇએ આઇપીએલની તમામ લીગ મેચીસ મહારાષ્ટ્રના ચાર સ્ટેડિયમોમાં રમાડવાનું નક્કી કર્યું છે.