અમદાવાદ : અમદાવાદમાં IPLની ફાઈનલ સહિત બે મેચો રમાવાની હોવાથી હાલ શહેરમાં IPL ફીવર છવાયો છે.IPLની મેચ જોવા માટે છેલ્લી ઘડી સુધી લોકો ટિકિટ બુકિંગ માટે પૃછા કરતા નજરે પડ્યા હતા.મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈન્ડિયન પ્રીમિયર લીગની બે મહત્વપૂર્ણ મેચનું આયોજન કરાયું છે.શુક્રવારે રાજસ્થાન અને બેંગ્લોર વચ્ચે બીજી ક્વોલિફાયર મેચ રમાશે અને તેમાંથી જે ટીમ વિજેતા બનશે તે 29મીએ ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સ સામે આમને-સામને થશે.કોરોનાના વળતા પાણી બાદ મોટેરા સ્થિત સ્ટેડિયમમાં દર્શકોને પ્રવેશ આપવામાં આવી રહ્યો ત્યારે IPLની ફાઈનલ સહિતની મેચ નિહાળવા શહેરીજનોમાં ગજબનો થનગનાટ જોવા મળી રહ્યો છે.IPLની 29મીએ રવિવારે મેગા ફાઈનલ અમદાવાદના આંગણે રમાશે.ફાઈનલ મેચ પૂર્વે પોણો કલાકનો રંગારંગ કાર્યક્રમ પણ યોજાશે.IPLના સમાપન સમારોહમાં બોલિવૂડ સ્ટાર રણવીર સિંહ ડાન્સ પરફોર્મ કરી શકે છે.આ ઉપરાંત બોલિવૂડના અન્ય કલાકાર આમીર ખાન પણ અમદાવાદના મહેમાન બનશે.જ્યારે ઓસ્કાર એવોર્ડ જીતનાર ભારતના સંગીતકાર એ આર રહેમાન મોટેરા ખાતે પોતાના સૂરો રેલાવશે.પ્રાપ્ત વિગતો મુજબ ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા IPLના સમાપન કાર્યક્રમની થીમ દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણી પર આધારિત હશે. સમાપન કાર્યક્રમમાં કેન્દ્રના ટોચના નેતાઓ તેમજ બોર્ડના ઉચ્ચ હોદ્દેદારો ઉપરાંત ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન્સ પણ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.આ કાર્યક્રમના ભાગરૂપે ભારતીય ક્રિકેટના ઈતિહાસની ઝાંખી પણ પ્રસ્તુત કરવામાં આવશે.29મીએ IPL ફાઈનલ મેચ અડધો કલાક મોડી શરૂ થશે.
IPLની તમામ મેચો 7.30થી શરૂ થાય છે પરંતુ ફાઈનલ પૂર્વે પોણો કલાકનો સમાપન કાર્યક્રમ યોજાવાનો હોવાથી ફાઈનલ મેચ 8 વાગ્યાથી શરૂ થશે.ફાઈનલ નિહાળવા માટે સ્ટેડિયમમાં અંદાજે 1.30 લાખ લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.આ કારણથી પોલીસ દ્વારા સ્ટેડિયમ વિસ્તારની આસપાસમાં ટ્રાફિકજામ ના થાય તે માટે વાહન વ્યવહાર ડાયવર્ટ કરવા જાહેરનામું પણ બહાર પાડ્યું છે.આ ઉપરાંત દર્શકોએ ઓનલાઈન એપ દ્વારા પાર્કિંગ બુકિંગ કરાવીને તેમના નિયત સ્થળે પાર્કિંગ કર્યા બાદ જ સ્ટેડિયમમાં પહોંચવાનું રહેશે.


