– વર્ષો જૂની પાર્ટી પાસે સ્થાનિક ચૂંટણી લડવા માટે ઉમેદવારો નથી, જે છે તેઓ ફોર્મ પાછા ખેંચી રહ્યાં છે,કેટલીક પાલિકામાં ફોર્મ ભરવા કોઇ તૈયાર નથી
ગુજરાતમાં કોંગ્રેસની નૈયા ખરેખર ડૂબી રહી છે અને જો કોઇ તારણહાર નહીં મળે તો 2022ની વિધાનસભા અને 2024ની લોકસભાની ચૂંટણીમાં વિજય મેળવવામાં પાર્ટીને મોટો ફટકો પડી શકે તેમ છે.કોંગ્રેસમાં સિનિયર અને લોકપ્રિય નેતાઓનો દુકાળ તો છે જ પરંતુ હવે સ્થાનિક ચૂંટણી લડવા માટે પણ પાર્ટીને ઉમેદવારો મળતાં નથી.ઉત્તર ગુજરાતની ઊંઝા સહિત કેટલીક પાલિકામાં ચૂંટણી લડવા માટે કોંગ્રેસ પાસે ઉમેદવારો નથી.
અમદાવાદમાં ચૂંટણી પહેલાં જ કોંગ્રેસે ત્રણ બેઠકો ગુમાવી છે.અમદાવાદ શહેરની નારણપુરા વોર્ડની એક બેઠક કોંગ્રેસે ગુમાવી દીધી છે.પાર્ટીને શહેરી વિસ્તારમાં ઉમેદવારો મળતાં નથી.જે ઉમેદવારોએ ફોર્મ ભયર્િ છે તેઓ ધીમે ધીમે ઉમેદવારી પાછી ખેંચી રહ્યાં છે અથવા તો દબાણના કારણે નિષ્ક્રિય બની રહ્યાં છે.ઉમેદવારોની પસંદગીમાં કોંગ્રેસ ફરી એકવાર થાપ ખાઇ ચૂકી છે.
સ્થાનિક ચૂંટણીમાં નબળા ઉમેદવાર અથવા તો ઉમેદવાર ન હોવાના કારણે કોંગ્રેસને ફટકો પડ્યો છે અને ભાજપને બિનહરીફ બેઠક મળતી જાય છે.ભૂતકાળની ચૂંટણીમાં પણ કોંગ્રેસે કેટલીક પાલિકાઓ ચૂંટણી પહેલાં ગુમાવી દીધી હતી.શહેરી વિસ્તારમાં કોંગ્રેસનો દેખાવ અત્યંત કંગાળ રહ્યો છે અને 2021ની આ સ્થાનિક ચૂંટણીમાં પણ કોંગ્રેસના દેખાવમાં સુધારો થયો નથી.છેલ્લી ઘડીએ ટિકીટનો મેન્ડેટ આપવામાં આવતાં કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ ભૂલોના કારણે રદ્દ થયાં છે.
કોંગ્રેસના એક સિનિયર નેતાએ કહ્યું હતું કે કોંગ્રેસની આવી હાલત પહેલાં ક્યારેય ન હતી.ઊંઝા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પાસે પુરતા ઉમેદવારો નથી.એવી જ હાલત રાજ્યની છ અન્ય પાલિકામાં જોવા મળી છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલાં કોંગ્રેસે બે બેઠકો ગુમાવી દીધી હતી.આજે વધુ એક મહિલા ઉમેદવારે તેનું ઉમેદવારીપત્ર પાછું ખેંચતાં પાર્ટીની સ્થિતિ કફોડી બની ચૂકી છે.
1990 પહેલાં કોંગ્રેસની પક્કડ ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત શહેરી વિસ્તારમાં પણ જોવા મળતી હતી પરંતુ ધીમે ધીમે શહેરી વિસ્તાર ભાજપ તરફ સરકી રહ્યો હતો અને 2002 પછી તો એવી હાલત આવી કે કોંગ્રેસે શહેરી વિસ્તારમાં તેનો જનાધાર ગુમાવી દીધો છે.કોંગ્રેસ પાસે કાર્યકરો તો ઓછા છે પરંતુ તેની સાથે સાથે ઉમેદવારોની પણ અછત છે.સ્થાનિક ચૂંટણી લડવા માટે ઉમેદવારો તૈયાર થતાં નથી.અમદાવાદના નારણપુરામાં કોંગ્રેસના બક્ષીપંચના મહિલા ચંદ્રીકા રાવળે કોંગ્રેસના મેન્ડેટ સાથે ફોર્મ ભર્યું હતું પરંતુ તેમણે ફોર્મ પાછું ખેંચી લેતાં ભાજપ્ના બિન્દ્રા બેન સુરતી બિનહરીફ થઇ ચૂક્યાં છે.આ અગાઉ કોંગ્રેસે સરદારનગર અને ઠક્કરબાપા નગરની એક-એક બેઠક ગુમાવી છે.
રૂપિયાની લાલચ આપી ફોર્મ પાછાં ખેંચાવાતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
એક મહિલા ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યા પછી કોંગ્રેસના કેટલાક ઉમેદવારોને 10 થી 15 લાખની ઓફર મળી હોવાનો ઘટસ્ફોટ,ભાજપ આ ઓફરને જૂઠાણાં કહી રહ્યું છે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી વિવાદો વચ્ચે ઘેરાઇ ગઇ છે.કોંગ્રેસના એક મહિલા ઉમેદવારે અગમ્ય કારણોસર ફોર્મ પાછું ખેંચીને ભાજપ્ના ઉમેદવારને ચૂંટણી પહેલાં જીતાડી દીધો છે ત્યારે બીજી તરફ કોંગ્રેસના કેટલાક ઉમેદવારોને રૂપિયા લઇને ફોર્મ પાછું ખેંચવાની ઓફરો આવી હતી. ટીવી ઇન્ટરવ્યુમાં કેટલાક ઉમેદવારોએ આરોપ મૂક્યા છે કે ભાજપ્ના પ્રદેશ નેતાઓ રૂપિયાની ઓફર આપીને ફોર્મ પાછા ખેંચાવી રહ્યાં હતા.એક ઉમેદવારે કહ્યું હતું કે 10 થી 15 લાખની ઓફર આપીને અમને ફોર્મ પાછું ખેંચવાનું કહેવામાં આવે છે.
કોંગ્રેસના મહિલા ઉમેદવાર ભગવતી પટેલને પણ 30 લાખની ઓફર આપી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. અન્ય એક મહિલા ઉમેદવારના પુત્રએ કહ્યું હતું કે અમને રાત્રે બે વાગ્યે ફોન આવે છે અને કહેવામાં આવે છે કે રૂપિયા લઇ લો અને ફોર્મ પાછું ખેંચી લો.જોધપુર વોર્ડના મનીશ શાહે પણ ભાજપ્ના નેતાઓ સામે આરોપ મૂક્યાં છે.કોંગ્રેસના અન્ય એક ઉમેદવાર નિતેશ ચાવડાને ફોર્મ પાછું ખેંચવાની ઓફર કરવામાં આવી હતી. એવી જ રીતે જસી વાઘેલાને પણ 10 લાખ રૂપિયાની ઓફર કરવામાં આવી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.અમદાવાદમાં ભાજપને સત્તા મળે તે માટે આવી ઓફરો મૂકવામાં આવી હોવાનો આરોપ કોંગ્રેસના ઉમેદવારો અને નેતાઓ કરી રહ્યાં છે પરંતુ તેમાં સચ્ચાઇ કેટલી છે તે તપાસ કરતાં ખબર પડે તેમ છે.
અમદાવાદની ચૂંટણીમાં કોંગ્રેસના બે ઉમેદવારો ફોર્મ ભરી શક્યા ન હતા અને એક બેઠક પર મહિલા ઉમેદવારે અંગત કારણોસર ઉમેદવારી પાછી ખેંચી હતી ત્યારબાદ આવા આરોપ સામે આવ્યા છે,જો કે ભાજપ્ના પ્રદેશ નેતાઓ આવા આરોપ્ને કોંગ્રેસના જૂઠાણાં કહી રહ્યાં છે.