અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા કેટલાયે સમયથી કોરોના જાણે નાબૂદ થઈ ગયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.લોકો પણ માસ્ક,સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઈઝર સહિતના કોરોના પ્રોટોકોલ ભૂલીને બિન્દાસ થઈ ગયા છે.ભાગ્યે જ લોકો માસ્ક પહેરે છે.તંત્રવાહકો પણ નાગરિકોને કોરોનાના પ્રોટોકોલ પાળવામાં કડકાઈ દાખવતા નથી.પરિણામે જાહેરમાં સામાજિક અને રાજકીય મેળાવડાઓ બેરોકટોક થઈ રહ્યા છે.જોકે,આ ગેધરીંગને કારણે છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસોમાં વધઘટ જોવા મળી રહી છે કે નહીં તે તપાસનો વિષય છે.બીજીતરફ મહાનગરપાલિકા સહિતના સ્થાનિક વહીવટી તંત્રએ સિનિયર સિટીઝનો અને બે ડોઝ લેનારા નાગરિકો કોરોના વેક્સિનના બુસ્ટર ડોઝ લે તે માટે પણ ઝુંબેશ આદરી છે,પરંતુ બુસ્ટર ડોઝ લેવામાં લોકોની આળસ ઉડીને આંખે વળગી રહી છે.
રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા ૫૩ કેસ નોંધાયા છે જ્યારે ૪૯ દર્દી સાજા થયા છે.સદ્ભાગ્યે છેલ્લા એક મહિના રાજ્યભરમાં કોરોનાને કારણે એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી.સોમવારે અમદાવાદ શહેરમાં નવા ૩૧ કેસ નોંધાયા છે.તો વડોદરા શહેરમાં ૯,સુરત શહેર અને વલસાડ જિલ્લામાં ૩-૩,રાજકોટ શહેરમાં ૨,જ્યારે અમદાવાદ,આણંદ,મહેસાણા,તાપી અને વડોદરા જિલ્લામાં ૧-૧ કેસ એમ મળીને રાજ્યમાં કુલ ૫૩ કેસ નોંધાયા છે.
જોકે,રાજ્યના ૨૮ જિલ્લાઓ અને ચાર શહેરમાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી.રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ ૯૯ ટકા પર સ્થિર રહ્યો છે.રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૨,૨૫,૪૮૮ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે જ્યારે મૃત્યુઆંક ૧૦,૯૪૪ પર સ્થિર છે.સાથોસાથ અત્યાર સુધીમાં ૧૨,૧૪,૨૨૭ દર્દી ડિસ્ચાર્જ થયા છે.એક્ટિવ કેસની વિગત જોઈએ તો હાલ ૩૪૪ એક્ટિવ કેસ છે અને તમામ દર્દીઓની હાલત સ્થિર હોવાનું સરકારી યાદીમાં જણાવાયું છે