અમદાવાદ : શુક્રવાર,17 જુન,2022 : અમદાવાદમાં કોરોનાના વધતાં કેસની વચ્ચે પરિસ્થિતિ ગંભીર બની રહી છે.શુક્રવારે કોરોનાના નવા ૧૧૮ કેસ નોંધાયા હતા.કોરોનાથી એક પણ મોત થયુ નહોતું.૮૧ દર્દી સાજા થયા હતા.બોડકદેવ ઉપરાંત જોધપુર,ઘાટલોડિયા ઉપરાંત નવરંગપુરા તેમજ પાલડીમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થયો છે.એક વોર્ડ દીઠ ત્રણથી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે.દક્ષિણ ઝોનના મણીનગર અને વટવામાં કોરોનાના ચાર-ચાર કેસ નોંધાયા છે.ઉપરાંત બહેરામપુરા અને દાણીલીમડા તથા લાંભામાં કોરોનાનો એક-એક કેસ નોંધાયો છે.
શહેરમાં જુન મહિનાની શરુઆતથી જ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.શુક્રવારે દૈનિક કેસમાં વધારો થતા નવા ૧૧૮ કેસ નોંધાવા પામ્યા છે.શહેરમાં હાલમાં કોરોનાના એકટિવ કેસની સંખ્યા ૫૦૦ના આંકડાને પણ પાર કરી ગઈ છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એસ.ટી.સ્ટેશન,રેલવે સ્ટેશન સહિત અર્બન હેલ્થ સેન્ટરો ખાતે કોરોના માટે કરવામાં આવતા ટેસ્ટની સંખ્યા વધારીને લગભગ ત્રણ હજાર સુધી પહોંચાડવામાં આવી છે.શહેરના બોડકદેવ ઉપરાંત જોધપુર,ઘાટલોડિયા ઉપરાંત નવરંગપુરા અને પાલડી જેવા વોર્ડમાં સતત વધી રહેલા કોરોનાના નવા કેસની પરિસ્થિતિ ઉપર મ્યુનિસિપલ હેલ્થ વિભાગ દ્વારા સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યુ છે.
અમદાવાદમાં છેલ્લા દોઢવર્ષના સમયથી મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ તરફથી કોરોના વેકિસન આપવામાં આવી રહી છે.આમ છતાં કોરોના વેકિસનનો બીજો ડોઝ જેમને લેવાનો સમય થઈ ગયો છે એવા લોકોને તંત્ર તરફથી જાણ કરવા છતાં પણ તેઓ વેકિસન લેવા જતા નથી.આ બેદરકારી ભારે પડી શકે છે.કેમકે કોરોના વેકિસન ના લેવાથી ઈમ્યુનિટી લેવલ ઘટવાના કારણે કોરોનાનું સંક્રમણ ફરી થઈ શકે છે.બહેરામપુરા-કાલુપુરના વ્યકિત કોરોના પોઝિટિવ મળ્યા
૧૬ જુને કરવામાં આવેલા કોરોના ટેસ્ટ દરમ્યાન એસ.ટી.સ્ટેશન ખાતેથી બહેરામપુરાનો એક અને કાલુપુર રેલવે સ્ટેશનથી કાલુપુરનો એક વ્યકિત ટેસ્ટ સમયે કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા.૧૭ જુને એસ.ટી.સ્ટેશન અને કાલુપુર રેલવે સ્ટેશને કુલ મળીને ૧૭ લોકોના આર.ટી.પી.સી.આર.ટેસ્ટ કરવામાં આવ્યા હતા.વોર્ડ દીઠ પાંચથી વધુ કેસ નોંધાશે તો માસ્ક ના પહેરવા બદલ દંડ શરુ થવાની સંભાવના
અમદાવાદ શહેરમાં હાલમાં વોર્ડ દીઠ ત્રણ કે ચાર કેસ કોરોનાના નોંધાઈ રહ્યા છે.કોરોનાના કેસ આ રીતે જ વધતા રહેશે અને વોર્ડ દીઠ પાંચથી વધુ કેસ નોંધાશે એવી પરિસ્થિતિ સર્જાશે તો શહેરમાં માસ્કને લઈ ફરીથી કડક અમલવારી શરુ કરાશે અને માસ્ક ના પહેરવા બદલ મોટી રકમનો દંડ વસુલવાનુ પણ શરુ કરવામાં આવે એવી સંભાવના જોવા મળી રહી છે.