અમદાવાદ : તા.12 જુલાઈ 2022,મંગળવાર : અમદાવાદમાં ગઇ મોડી રાત્રે ખાબકેલા અતિ ભારે વરસાદ અને તેના કારણે સમગ્ર શહેરમાં ભરાયેલા વરસાદી પાણીના મુદ્દાને લઇ આજે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરી આ મામલે સુઓમોટો વ્યુ લેવા કોર્ટને અનુરોધ કરવામાં આવ્યો હતો.જો કે,હાઇકોર્ટ આ મુદ્દા પર પિટિશન થશે તો સુનાવણી કરવાની તૈયારી બતાવી હતી.હાઇકોર્ટે આ મામલે સુઓમોટો વ્યુ તો લીધો નહી પરંતુ રજૂઆત કરનાર સિનિયર એડવોકેટને જ વરસાદી પાણી મુદ્દે પિટિશન કરવા સૂચન કર્યું હતું.
અમદાવાદ શહેરમાં ખાબકેલા અતિ ભારે વરસાદ અને તેના કારણે સમગ્ર શહેર જળબંબાકારની સ્થિતિમાં ગરકાવ બનતાં આજે સવારે સિનિયર એડવોકેટ ભાસ્કર તન્નાએ ચીફ જસ્ટિસ અરવિંદકુમારના વડપણ હેઠળની બેંચ સમક્ષ મેન્શનીંગ કરતાં જણાવ્યું હતું કે,અમદાવાદ શહેરમાં ગઇ મોડી રાતથી અતિભારે વરસાદ વરસ્યો છે અને તેના કારણે મોટાભાગના વિસ્તારો પાણીમાં જળબંબાકાર બની ગયા છે.જે પ્રકારે અમદાવાદ શહેરનો પાછલા કેટલાક વર્ષોમાં વિકાસ થયો છે અને શહેરનો વિસ્તાર જે રીતે વિસ્તર્યો છે,તેની સામે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન અને ડ્રેનેજ લાઇનનું કોઇ સુવ્યવસ્થિત આયોજન નથી,જે ખરેખર હોવું જોઇએ.તો આવી પરિસ્થિતિનું નિવારણ થઇ શકે.
અગાઉ વર્ષો પહેલાં જયારે આવી વરસાદી પરિસ્થિતિ નિર્માણ પામી હતી ત્યારે હાઇકોર્ટની દરમ્યાનગીરીને પગલે ઘણું કામ થયુ હતુ પરંતુ હજુ ઘણું કામ બાકી પણ છે.સરકારના સત્તાધીશો,બ્યુરોક્રેટ્સ,વકીલો આ વિષયના નિષ્ણાત નથી,તેથી આ વિષયના નિષ્ણાતોને આ સમસ્યાના કાયમી નિકાલ માટે સાંકળી લઇ સુવ્યવસ્થિત પ્લાનીંગ હાથ ધરવું જોઇએ.પછી ભલે તે પાંચ વર્ષનો પ્રોજેકટ હોય પરંતુ તે હાઇકોર્ટના મોનીટરીંગમાં હાથ ધરાવો જોઇએ.દરમ્યાન હાઇકોર્ટે તેમને જણાવ્યું કે,તમારો હેતુ સારો છે,તો તમારે જ પિટિશન કરવી જોઇએ.સિનિયર એડવોકેટે કહ્યુ કે,મને કરવામાં કોઇ વાંધો નથી પરંતુ હું જનહિતમાં જ કોર્ટને અનુરોધ કરી રહ્યો છું.હાઇકોર્ટે આ મુદ્દે પિટિશન થશે તો યોગ્ય સુનાવણી કરવાની હૈયાધારણ આપી હતી.


