અમદાવાદ : ચાલુ વર્ષે રેકોર્ડબ્રેક ગરમી બાદ રવિવારે રાત્રે મેઘરાજાએ અમદાવાદમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી.સમી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ઠંડા પવનો ફુંકાવાની શરૂઆત થઇ ગઇ હતી. રાત્રે સવા નવેક વાગ્યે તો અચાનક જ વીજળીના કડકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો.વરસાદની એન્ટ્રીથી રવિવારે પરિવાર સાથે બહાર ફરવા નીકળેલા લોકોને ઘરે પરત ફરવું પડ્યું હતું તો બીજી તરફ એવા પણ ઘણા લોકો હતા કે જેઓ ચોમાસાના પહેલાં વરસાદમાં ભીંજાવા માટે ઘરની બહાર નીકળી પડ્યા હતા.એકાદ કલાક સુધી ધમાકેદાર વરસાદ પડતાં શહેરમાં ઠંકડ પ્રસરી ગઇ હતી.શહેરના લગભગ તમામ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.
ઉનાળો ચાલુ વર્ષે આકરો બન્યો હતો.ગ્લોબલ વોર્મિંગની આડ અસર શરૂ થઇ જતાં ગરમીની પારો વધી રહ્યો છે.તેમાંય અમદાવાદ શહેરમાં તો હવે ઉનાળામાં એસી વગર ચાલે જ નહીં તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.જૂનના બીજા અઠવાડિયામાં અમદાવાદમાં મેઘરાજાની સવારી આવી પહોંચી છે. છેલ્લા બે દિવસથી અમદાવાદનું વાતાવરણ વાદળછાયું બની ગયું હતું અને ઉકળાટ અનુભવાતો હતો.હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરી દેવામા આવી હતી.રવિવારે સાંજથી વાતાવરણમાં ફેરફાર થવા લાગ્યા હતા.
મોડી સાંજે ઠંડા પવનો ફુંકાવા લાગ્યા હતા અને રાત્રે વરસાદ તૂટી પડ્યો હતો.રાત્રે શહેરના શહેરના આશ્રમ રોડ,નવરંગપુરા,ગોતા,ગોદરેજ ગાર્ડન સિટી,ખોખરા,હાટકેશ્વર,અમરાઈવાડી,વસ્ત્રાલ,સીટીએમ, જશોદાનગર,ઘોડાસર,વટવા,ઈસનપુર,નારોલ,મણિનગર,રામોલ, હાથીજણ,ઓઢવ, રખિયાલ,બાપુનગર સહિતના વિસ્તારોમાં સારો વરસાદ થયો હતો.