અમદાવાદ : ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ શરૂ થતા અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોનો ધસારો વધ્યો છે.ચિંતાજનક બાબત એ પણ છે કે છેલ્લા દિવસોમાં અમદાવાદ એરપોર્ટ પરથી જુદા જુદા કન્સાઇન્મેન્ટ સાથે રૂ. દોઢસો કરોડનું હેરોઇન પણ ઝડપાયું છે. વિદેશી નાગરિકો ડ્રગ્સ અને હેરોઇન લઈને અમદાવાદ એરપોર્ટ પર ઉતરી રહ્યા છે એટલે કે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે દેશમાં હેરોઈનનું પ્રવેશદ્વાર બની રહ્યું છે.વિદેશી મહિલા હેરોઈનની કેપ્સ્યૂલ પેટમાં સંતાડીને અમદાવાદ પહોંચી ગઈ અને DRIના હાથે ઝડપાઈ પણ ગઈ.જોકે, હેરોઈનની કેપ્સ્યૂલ વિદેશી મહિલાના પેટમાં જ ફાટી જતા તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.જે રીતે અમદાવાદ એરપોર્ટ પરથી હેરોઇનના જથ્થા સાથે વિદેશી નાગરિકો ઝડપાઇ રહ્યા છે તે જોતા તમામ સેન્ટ્રલ એજન્સીઓ એલર્ટ બની ગઈ છે અને એરપોર્ટ પર વોચ વધારી દેવાઈ છે.દુનિયાભરના દેશોમાં છેલ્લા કેટલાક વર્ષોથી માદક દ્રવ્યો અને ડ્રગ્સ, હેરોઈનની માંગ સતત વધી રહી છે ત્યારે પાડોશી પાકિસ્તાન,અફઘાનિસ્તાન અને ઉઝબેકિસ્તાનથી ડ્રગ્સ ગુજરાતના દરિયાકિનારે થઈને વિદેશમાં સપ્લાય કરવામાં આવી રહ્યું છે.ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડ, મરીન પોલીસ દ્વારા લગભગ બે હજાર કરોડનું ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું છે.બીજી તરફ આફ્રિકાના દેશોમાંથી ચોક્કસ ડ્રગ્સ માફિયા પોતાના પેડલરને જુદી જુદી મોડેસ ઓપરેન્ડી મુજબ હેરોઇનના કન્સાઇન્મેન્ટ સાથે અમદાવાદ મોકલી રહ્યા છે.અમદાવાદથી હેરોઇન સમગ્ર દેશમાં સપ્લાય કરવામાં આવી રહ્યું છે.છેલ્લા એક મહિનાથી DRIના અધિકારીઓએ અમદાવાદ એરપોર્ટ પરથી આઠ વિદેશી નાગરિકોને દોઢસો કરોડ રૂપિયાના હેરોઇન સાથે ઝડપી લીધા છે.સૌપ્રથમ આફ્રિકન મહિલા અને યુવક પોતાના પેટમાં સંખ્યાબંધ હેરોઇનની કેપ્સ્યૂલ છૂપાવીને અમદાવાદ એરપોર્ટ પર આવતા પકડાઈ ગયા હતા.તબીબની મદદથી તેમના પેટમાંથી સંખ્યાબંધ હેરોઇન કેપ્સ્યૂલ કાઢવામાં આવી હતી.મહિલાના પેટમાં કેપ્સ્યૂલ ફાટી ગઈ હોવાથી તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.