અમદાવાદ,શુક્રવાર, 15 એપ્રિલ,2022 : ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં અમદાવાદ એજયુકેશન સોસાયટીને કરોડોનો લાભ ખટાવવા મ્યુનિ.ના અધિકારીઓએ નિતી નિયમ નેવે મુકી દઈ જમીનના વેલ્યુએશન કે બજાર કીંમત નકકી કર્યા વગર ગુજરાત યુનિવર્સિટી સાથે પ્લોટની અદલાબદલી કરવાની સંમતિપત્રના આધારે ઉતાવળે મંજુર કરેલી દરખાસ્ત વિવાદનું કેન્દ્ર બનવા પામી છે.ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન પાસે પણ વિગતનો અભાવ જોવા મળે છે.સરકારની મંજુરી બાદ નિર્ણય લેવાશે એવો રાગ આલાપી રહ્યા છે.ગુજરાત યુનિવર્સિટી કેમ્પસની ટી.પી.સ્કીમ નંબર-૩૧માં પાંચમી વખત વેરીડ કરી ફેરફાર કરવાની દરખાસ્ત ટાઉન પ્લાનિંગ કમિટીમાં મંજુર કરવામાં આવી છે.પહેલી વખત સરકારી સંસ્થા અને ખાનગી સંસ્થાને ફાળવવામાં આવેલા પ્લોટની અદલાબદલી કરવાની દરખાસ્તને બહાલી અપાઈ છે.સેપ્ટ યુનિવર્સિટી પાસે ગુજરાત યુનિવર્સિટીને ફાળવવામાં આવેલો ફાઈનલ પ્લોટ નંબર-૧૦ અમદાવાદ એજયુકેશન સોસાયટીને ફાળવવામાં આવશે.અમદાવાદ એજયુકેશન સોસાયટીને ફાળવવામાં આવેલો ફાઈનલ પ્લોટ નંબર-૧૧ ગુજરાત યુનિવર્સિટીને ફાળવવામાં આવશે.દરખાસ્ત મંજુર કરાયા બાદ હવે સ્ટેન્ડીંગ કમિટી અને બાદમાં મ્યુનિ.બોર્ડની મંજુરી મેળવ્યા બાદ સરકારમાં મંજુરી માટે મોકલવામાં આવશે.આઠથી દસ હજાર ચોરસમીટર ક્ષેત્રફળ ધરાવતા પ્લોટની મંજુરી અપાયાથી અમદાવાદ એજયુકેશન સોસાયટીના તમામ પ્લોટ પાસપાસે આવી જશે.ગુજરાત યુનિવર્સિટીને આર્થિક નુકસાન થવાની સંભાવના છે.ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી પાસે પણ આ મામલે વિગતનો અભાવ જોવા મળ્યો છે.એમના કહેવા પ્રમાણે, ગત વર્ષે અમદાવાદ એજયુકેશન સોસાયટી દ્વારા આ અંગે સરકારમાં રજૂઆત કરાઈ હતી.બાદમાં કલેકટરે આપેલી મંજુરી અને ગુજરાત યુનિવર્સિટીની એન.ઓ.સી.ના આધારે તથા બંનેના સંમતિપત્રને ધ્યાનમાં લઈ આ દરખાસ્ત કમિટીમાં મંજુર કરાઈ છે.જમીનનું વેલ્યુએશન કે બજાર કીંમત નકકી કર્યા વગર પ્લોટની અદલાબદલીની મંજુરી કયા કારણથી અપાઈ આ અંગે ચેરમેન કોઈ સંતોષકારક જવાબ આપી શકયા નહોતા.સરકાર જે ભાવ ડીફરન્સ નકકી કરશે એ મુજબ આગળ કાર્યવાહી કરાશે એટલો જ જવાબ તેમણે આપ્યો હતો.ગુજરાત યુનિ.પણ મ્યુનિ.માટે ખાનગી સંસ્થા-ચીફ સિટી પ્લાનર.પ્લોટની અદલાબદલી કરવાની દરખાસ્ત મંજુર કરવા સંદર્ભે મ્યુનિ.ના ચીફ સિટી પ્લાનર ચૈતન્ય શાહનો સંપર્ક કરવામાં આવતા તેમણે કહ્યુ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે તો તમામ સંસ્થા ખાનગી જ હોય છે.ચીફ સિટી પ્લાનરના મતે ગુજરાત યુનિ.પણ ખાનગી સંસ્થા છે.કલેકટરની મંજુરી બાદ આ દરખાસ્ત મંજુર કરાઈ છે.આ સિવાયના અન્ય પ્રશ્નનો જવાબ આપવાનું તેમણે ટાળી દીધુ હતું.પાંચમી વખત ફેરફાર કરવાનું રહસ્ય વણઉકલ્યુ.મ્યુનિ.દ્વારા કોઈપણ ટાઉન પ્લાનિંગ સ્કીમના અમલ સમયે પહેલા પ્રયાસમાં જ ખેડૂત હોય કે સામાન્ય માનવી તમામની જમીન પચાસ ટકા લેખે કપાત કરવાનો નિર્ણય લઈ લેવામાં આવતો હોય છે.આ પરિસ્થિતિમાં અમદાવાદ એજયુકેશન સોસાયટીને લાભ કરાવવા પાંચમી વખત ફેરફાર કરવા કેમ નિર્ણય કરાયો?આ અંગે અગાઉ કોઈ વાંધાસુચન મંગાવાયા હતા કે આવ્યા હતા? વગેરે જેવા મુદ્દાઓની સત્તાધારી પક્ષ પાસે કોઈ વિગત જ નથી.કાયદો તમામ માટે સરખો હોય આમ છતાં કોઈ એક સંસ્થાને માટે નિતિ નિયમો ઘોળીને પી જવાયા હોય એમ દેખાઈ આવે છે.યુનિ.કેમ્પસ એરીયામાં પ્રતિ સ્કેવરમીટર બોલાતો બે લાખનો ભાવ.ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ અને આસપાસના વિસ્તારમાં હાલની વર્તમાન બજાર કીંમત પ્રમાણે પ્રતિ સ્કવેર મીટર બે લાખ સુધીનો ભાવ બોલાઈ રહ્યો છે.અમદાવાદ એજયુકેશન સોસાયટીને કીંમતી પ્લોટની કોના ઈશારે અદલાબદલી કરી આપવાની દરખાસ્ત ટી.પી.કમિટીમાં મંજુર કરી આપવામાં આવી તે બાબત ટોક ઓફ ટાઉન બની છે.