અમદાવાદ : શહેર ફરી વાર કોરોના હોટસ્પોટ બન્યું છે.શહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે.ત્યારે શહેર અને જિલ્લામાં સતત છઠ્ઠા દિવસે 5000થી વધુ કેસ નોંધાયા છે.છેલ્લા 24 કલાકમાં 5725 નવા કેસ સામે આવ્યા છે અને 26નાં મોત થયાં છે.
અમદાવાદમાં અહેવાલ મુજબ માત્ર 152 બેડ જ ઉપલબ્ધ છે જ્યાં ઓક્સિજનની સુવિધા મળી રહી છે.શહેરની મોટા ભાગની હોસ્પિટલો હાઉસ ફૂલ થઈ ગઈ છે.કોર્પોરેશન દ્વારા ચાલતા 37 બેડ,ખાનગી હોસ્પિટલના 28 બેડ,સોલા અને અસારવા સિવિલના 36 બેડ અને નર્સિંગ હોમ્સમાં 51 બેડ ખાલી હોવાનું જાણમાં આવ્યું છે.શહેરમાં આવેલા 15,000 બેડમાંથી મોટા ભાગના ફૂલ થઈ ગયા છે.
રાજ્ય સરકારના આંકડા પ્રમાણે અમદાવાદમાં કુલ 56,076 સક્રિય કેસ છે,જેમાંથી 49,521 દર્દીઓ કવોરોન્ટીન છે.રાજ્યના એડિશનલ ચીફ સેક્રેટરી ડો. રાજીવ કુમાર ગુપ્તા કહે છે કે કોર્પોરેશન પાસે 168 ડેઝિગ્નેટેડ હોસ્પિટલો, 180 નર્સિંગ હોમ અને હોસ્પિટલ કોવિડ દર્દીઓની સારવાર માટે ઉપલબ્ધ છે.
બીજી બાજુ, પોલીસ કર્મચારીઓમાં કોરોનાનું સંક્રમણ વધી ગયું હોવાની પોલીસ કમિશનરે ગંભીરતાથી નોંધ લઇને શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી,જેમાં ફરજ દરમિયાન યોગ્ય તકેદારી રાખવા પોલીસ અધિકારીઓને અને કર્મચારીઓને સૂચના આપી હતી.હાલમાં 422 જેટલા પોલીસ કર્મચારી અને અધિકારીઓ કોરોનાની સારવાર હેઠળ છે.


