અમદાવાદ : તાજેતરમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે ફરજ પર હાજર પોલીસને પ્રજા સાથેના ઘર્ષણ અને બોલાચાલીના અનેક બનાવો સામે આવ્યા છે.માસ્કના પહેરવા બદલ દંડાત્મક કાર્યવાહી કરતી વખતે પોલીસ સાથે બોલાચાલી કે ઘર્ષણ ના બનાવો તો રોજબરોજ બની રહ્યા છે.તો વળી શહેરના શહેર કોટડા વિસ્તારમાં ફરાર આરોપીને પકડવા માટે ગયેલી પોલીસને આરોપીની પત્નીએ કપડા ઉતરાવી નાખવાની ધમકી આપી છે.
પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી કમલેશ સુમેરાને પકડવા માટે પોલીસ તેના ઘરે ગઈ હતી.પરંતુ આરોપી ઘરે હાજર મળી આવ્યો ન હતો.ત્યારે પોલીસને જોઇને જ કમલેશની પત્નીએ પોલીસ સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું અને કહ્યું હતું કે તમે ખોટી રીતે મારા પતિને પકડવા માટે આવ્યા છો.તમારી પાસે વોરંટ છે.તમે કેમ વોરંટ વગર મારા પતિને પકડવા માટે આવો છો,તમારા બધાના કપડાં ઉતરાવી નાખીશ.તેમ કહીને જોર જોરથી બીભત્સ ગાળો બોલવા લાગી હતી.
પોલીસે તેને આમ ન કરવા માટે કહેતા તે વધુ ઉશ્કેરાઇ ગઇ હતી અને તમારા કપડાં ઉતરાવી નાખીશ અને તમને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જેથી હાજર પોલીસે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને મહિલા પોલીસને બોલાવવા માટેની તજવીજ શરૂ કરતાં જ આ મહિલા ત્યાંથી રવાના થઈ ગઈ હતી.પોલીસને ધમકી આપવા બદલ મહિલા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને હાલમાં આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.


