અમદાવાદ: શહેરકોટડા પોલીસ સ્ટેશનના પી.આઇ વી.ડી. વાળા અને તેમના વહીવટદારો સામે આક્ષેપ કરતા પોસ્ટર તેમના જ વિસ્તારમાં લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટર ભારતીય સામ્યવાદી પ્રજા પક્ષના સહમંત્રી દ્વારા લગાવવામાં આવ્યા છે.પોસ્ટરમાં એવો ઉલ્લેખ કરાયો છે કે શહેર કોટડા પોલીસ દ્વારા હપ્તા ખાઈને અમુક દુકાનો કર્ફ્યૂમાં પણ 24 કલાક ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે.જ્યારે ગરીબ લોકોને માર મારી પોલીસ ત્રાસ ગુજારે છે.શહેર કોટડા વિસ્તારમાં લગાવવામાં આવેલા પોસ્ટર્સમાં ભારતીય સામ્યવાદી પક્ષના સહમંત્રી દિનેશ ચૌહાણે લખાણ લખ્યું છે કે, “જોર જુલ્મ કી ટક્કર મેં સંઘર્ષ હમારા નારા હૈ,પોલીસની હિટલરશાહી સામે અવાજ બુલંદ કરો.”

પોસ્ટર્સમાં આગળ લખ્યું છે કે, “નરોડા રોડના નવજીવન સાથીઓ, કોરોના વાયરસ નાબૂદ કરવા સમગ્ર ભારત દેશમાં અને લૉકડાઉન અને અનલોક-2 લાગુ કરવામાં આવેલ છે.પરંતુ આ કાયદો શહેરકોટડા પોલીસ સ્ટેશનના પી.આઈ વી. ડી. વાળા અને તેમના માનીતા લાડકવાયા ઉપવહીવટદાર વિજય હીરાલાલ અને વહીવટદાર રામસિંહને લાગુ પડતો નથી. કેમ કે ઉપરોક્ત જવાબદારોની રહેમનજર અને આર્થિક સહકાર અને આશીર્વાદથી ખાખી વર્દીને લાંછનરૂપ દારૂની પરબો અને કોઈપણ પરવાના વગર કર્ફ્યૂનો ભંગ કરી વિજય હીરાલાલના વહીવટથી મેમ્કો રોડ પર “જય ભોલે નાસ્તા હાઉસ” 24 કલાક ચાલુ રાખવામાં આવે છે.જ્યારે સામાન્ય નાગરિકો પર લોકડાઉન અને અનલોકના નામે દંડા મારવામાં આવે છે. શહેરકોટડા પોલીસસ્ટેશનના જવાબદારોની બદલી કરી પ્રતિબંધિત ધંધાઓ બંધ નહીં કરવામાં આવે તો નાછૂટકે હિટલરશાહી સામે જનઆંદોલન કરવામાં આવશે.”
નોંધનીય છે કે ડીસીપી ઓફિસની બહાર અને અન્ય જગ્યા સહિત એમ કુલ 10 જગ્યાઓ પર આવા પોસ્ટર લાગતા પીઆઇ અને વહીવતદારો સામે કાર્યવાહી થશે કે કેમ તે સવાલ છે.ઉલ્લેખનીય છે કે અગાઉ પણ દારૂ જુગારને લઈને શહેરકોટડા પોલીસ પર આક્ષેપ કરવામાં આવ્યા હતા.


