અમદાવાદમાં એક જ દિવસમાં કોરોના વાયરસનાં ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. બે કેસ સામે આવ્યા બાદ અમદાવાદના સાઉથ બોપલમાંથી એક યુવાનનો કેસ પોઝિટિવ આવ્યો હતો. યુવક યુકેથી મુંબઈ આવ્યો હતો અને બાદમાં મુંબઈથી અમદાવાદ આવ્યો હતો. તો કોરોના વાયરસનાં પોઝિટિવ કેસોને પગલે અમદાવાદ શહેરમાં કલક 144 લાગુ કરી દેવાઈ છે.
અમદાવાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે કોરોના વાયરસને લઈ જાહેરનામું બહાર પાડ્યું છે. અમદાવાદમાં કોરોના વાયરસને લઈ કલમ 144 લાગુ કરવામાં આવી છે. સરઘસ, સભા, મેળાવડા, સંમેલન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તો સાથે જ મોલ, મલ્ટીપ્લેક્સ, સિનેમા, નાટ્યગૃહો બંધ રાખવા પણ આદેશ કરવામાં આવ્યો છે. તો પાનના ગલ્લા, જીમ, સ્વીમિંગ પુલ, ડાન્સ ક્લાસીસ બંધ કરી દેવા જણાવાયું છે. 31 માર્ચ સુધી બંધ રાખવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું બહાર પાડ્યું છે.
ગુજરાતમાં કોરોના વાયરસનાં સાત કેસ નોંધાઈ ચૂકયા છે. અમદાવાદમાં 3 કેસ, વડોદરામાં બે કેસ, સુરત અને રાજકોટમાં એક-એક કેસ નોંધાયો છે. આ સાતેય પોઝિટિવ કેસો વિદેશથી ગુજરાતમાં આવ્યા હતા. તો કોરોનાને પગલે ગુજરાતના અનેક શહેરોમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.