અમદાવાદ, તા. 18 ફેબ્રુઆરી, 2022, શુક્રવાર : અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસ મામલે આજે સ્પેશિયલ કોર્ટ દ્વારા સજાનું એલાન કરવામાં આવશે.કોર્ટ શ્રેણીબદ્ધ બ્લાસ્ટ કેસમાં 49 દોષિતોને સજા સંભળાવશે. ગત 08 ફેબ્રુઆરીના રોજ સીરિયલ બોંબ બ્લાસ્ટ કેસનો ચુકાદો આવ્યો હતો જેમાં દેશના ઈતિહાસમાં પ્રથમ વખત 49 આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
કોર્ટે કુલ 78માંથી 49 આરોપીઓને UAPA(અનલોફુલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન)) અંતર્ગત દોષિત જાહેર કર્યા હતા.દેશના ઈતિહાસમાં પ્રથમ વખત UAPA અંતર્ગત 49 આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા.આ 49 પૈકીના 1 દોષિત અયાઝ સૈયદે તપાસમાં મદદ કરી હોવાથી તેને સજામાંથી મુક્તિ આપવામાં આવી છે.જ્યારે બાકીના 29 આરોપીઓને કોર્ટે શંકાના આધારે નિર્દોષ જાહેર કર્યા છે.
ઉલ્લેખનીય છે કે,26 જુલાઈ,2008ના રોજ નદીપારના 20 વિસ્તારો શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટથી ધણધણી ઉઠ્યા હતા.શ્રેણીબદ્ધ 21 બોમ્બ ધડાકાઓમાં 56 લોકોના મોત થયા હતા અને 250 કરતાં પણ વધારે લોકોને ઈજાઓ પહોંચી હતી.આ કેસમાં તમામ આરોપીઓને કલમ 302 અને 120 અંતર્ગત દોષિત જાહેર કરવામાં આવ્યા છે અને 302ની કલમ હેઠળ આજીવન કેદ કે મૃત્યુ દંડની સજા આપવાની જોગવાઈ છે.
ગત 15 ફેબ્રુઆરીના રોજ વર્ષ 2008માં અમદાવાદ ખાતે થયેલા સીરિયલ બ્લાસ્ટ કેસમાં દોષિતોને સજા મામલે તમામ પક્ષે સુનાવણી પૂર્ણ થઈ હતી.વિશેષ કોર્ટે દોષિતોનો,બચાવ પક્ષના વકીલોનો અને પ્રોસીક્યુશનનો પક્ષ સાંભળ્યો હતો.પ્રોસિક્યુશન દ્વારા દોષિતોને ફાંસીની સજાની માગણી કરવામાં આવી હતી જ્યારે બચાવ પક્ષે લઘુત્તમ સજાની માગ કરી હતી.