અમદાવાદ : દક્ષિણ ગુજરાતમાં પડેલા સાંબેલાધાર વરસાદના પગલે અમદાવાદ–મુંબઈ નૅશનલ હાઇવે નંબર ૪૮ પર પાણી ફરી વળતાં ગઈ કાલે ચીખલી–વલસાડ વચ્ચેનો હાઇવે બંધ કરાયો હતો.નૅશનલ હાઇવે બંધ થતાં ભારે ટ્રાફિક જૅમ થયો હતો.બીજી તરફ ચીખલી અને આસપાસના વિસ્તારને ધમરોળતાં પૂરનાં પાણી વચ્ચે એનડીઆરએફ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા હેલિકૉપ્ટર અને બોટ દ્વારા ૫૦થી વધુ લોકોને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડ્યા હતા.
દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદ તેમ જ નદીઓમાં આવેલાં પૂરના કારણે નવસારી જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ–મુંબઈ નૅશનલ હાઇવે પર વરસાદી પાણી ભરાવાનાં કારણે નવસારી જિલ્લા કલેક્ટરે નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે ચીખલી આલીપોરથી વલસાડ સુધીનો હાઇવે અવરજવર માટે બંધ કરાવ્યો હતો.આ ઉપરાંત મુંબઈ તરફથી આવતાં વાહનોને વાપી પાસે રોક્યાં હતાં.દમણ તરફથી આવતાં વાહનોને ઉદવાડા પાસે રોક્યાં હતાં.હાઇવે બંધ કરાતાં અંદાજે ૧૦થી ૧૨ કિલોમીટર સુધી ટ્રાફિક જૅમ થયો હતો.હાઇવે પર ટ્રક,કાર સહિતનાં નાનાં-મોટાં વાહનોની લાંબી વણઝાર થઈ હતી. જોકે જેમ-જેમ પાણી ઊતરતાં જતાં હતાં તેમ-તેમ રસ્તા ખોલવામાં આવ્યા હતા.
ભરૂચ–સુરત હાઇવે વચ્ચે પણ લાંબો ટ્રાફિક જૅમ થયો હતો.અહીં પાલેજ–પાંચ પાટિયા પાસે પણ પોલીસે વાહનચાલકોને આગળ નહીં જવા અપીલ કરી હતી.ચીખલી તાલુકામાં આઠ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.એમાં પણ સવારે ૬ વાગ્યાથી ૧૦ વાગ્યા દરમ્યાન ચાર કલાકમાં સાડાછ ઇંચ વરસાદ પડ્યો હતો જેના કારણે ચીખલીમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.આ ઉપરાંત ચીખલીમાંથી પસાર થતી કાવેરી નદીમાં પૂર આવતાં કાંઠા વિસ્તારનાં ગામોમાં પાણી ફરી વળ્યાં હતાં.ચીખલી તાલુકાના ગોલવાડ અને ફડવેલ ગામેથી ૬ વ્યક્તિઓને ઇન્ડિયન કોસ્ટગાર્ડના જવાનોએ હેલિકૉપ્ટરમાં ઍર લિફ્ટ કરીને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડ્યા હતા.આ ઉપરાંત ચીખલીના ખુંદ્ય ગામેથી પણ હેલિકૉપ્ટરથી રેસ્ક્યુ કરીને લોકોને બચાવી લીધા હતા.


