અમદાવાદ : ગુરુવારે સવારે ફરી એક વખત અમદાવાદ શહેરનાં અનેક વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસતા સરેરાશ એક ઈંચથી વધુ વરસાદમાં પણ શહેરના અખબારનગર અને મોટી વણઝર અંડરપાસ પાણી નિકાલ માટે બંધ કરવાની મ્યુનિસિપલ તંત્રને ફરજ પડી હતી.ઉસ્માનપુરા અને ચાંદખેડા વિસ્તારમાં બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.શહેરમાં ચાણકયપુરી વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લોકોએ જાતે ડ્રેનેજનાં ઢાંકણા ખોલ્યા હતા.શહેરમાં બપોરે ચાર કલાક સુધીમાં સરેરાશ ૧.૨૬ ઈંચ વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ ૧૫.૮૮ ઈંચ થવા પામ્યો હતો.ત્રણ દિવસમાં અલગ અલગ વિસ્તારમાંથી કુલ ૫૫ વૃક્ષ ધરાશાયી થવાની ફરિયાદ ગાર્ડન વિભાગને મળી હતી.
શહેરમાં સવારથી વાતાવરણમાં પલટો આવવાની શરુઆત થતાં એસ.જી.હાઈવે,ગોતા,ન્યૂ રાણીપ,ચાંદખેડા,આશ્રમરોડ ઉપરાંત સોલા સાયન્સ સીટી, વૈષ્ણોદેવી તરફના વિસ્તારમાં ભારે ગાજવીજ સાથે વરસાદની શરુઆત થઈ હતી.ચાંદખેડા વિસ્તારમાં પગારકેન્દ્રશાળા પાસે વરસાદી પાણી ફરી વળ્યા હતા.પાલડી,વાસણા ઉપરાંત વેજલપુર તેમજ બોડકદેવ,વસ્ત્રાપુરમાં પણ ભારે વરસાદ થવા પામ્યો હતો.ઓઢવ અને વિરાટનગર વિસ્તારમાં એક ઈંચથી વધુ વરસાદ થવા પામતા નિચાણવાળા અનેક સ્થળોએ વરસાદી પાણી ફરી વળ્યા હતા.ભારે વરસાદના કારણે ન્યૂ રાણીપ ઓવરબ્રીજ ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા.જી.એસ.ટી.અંડરબ્રીજમાં વરસાદી પાણી ભરાતા લોકો ફસાયેલા જોવા મળ્યા હતા.
સવારના ૬થી ૧૧ સુધીના સમયમાં પાલડીમાં ૨૭ મિલીમીટર,ઉસ્માનપુરામાં ૫૨.૫૦ મિલીમીટર,ચાંદખેડામાં ૫૮.૫૦ મિલીમીટર વરસાદ પડયો હતો.રાણીપમાં ૨૮.૫૦ મિલીમીટર,બોડકદેવમાં ૩૪ મિલીમીટર અને સાયન્સ સિટી વિસ્તારમાં ૪૬ મિલીમીટર વરસાદ થવા પામ્યો હતો.ગોતામાં ૪૯ મિલીમીટર તથા ચાંદલોડીયામાં ૫૩ મિલીમીટર વરસાદ વરસી પડયો હતો.સરખેજમાં ૨૧ મિ.મી.,જોધપુરમાં ૧૯ મિ.મી.,મકતમપુરામાં ૨૨ મિલીમીટર તથા બોપલમાં ૧૭ મિલીમીટર વરસાદ વરસ્યો હતો.દૂધેશ્વર વિસ્તારમાં ૩૧ મિલીમીટર,મેમ્કો વિસ્તારમાં ૨૯ મિલીમીટર ઉપરાંત કોતરપુર વિસ્તારમાં ૨૧ મિલીમીટર વરસાદની સાથે મણિનગર વિસ્તારમાં ૩૩ મિલીમીટર વરસાદ થવા પામ્યો હતો.
શહેરમાં સવારના ૬ થી ૧૧ સુધીના સમયમાં પડેલા ભારે વરસાદની વચ્ચે ચામુંડાબ્રીજથી સરસપુર સુધીના રસ્તા ઉપર વરસાદી પાણી મા વ્યાપક પ્રમાણમાં ભરાવા પામ્યા હતા.દરમ્યાન સરસપુર અને ઈન્ડિયા કોલોની વોર્ડમાં પડતા વિસ્તારમાં વરસાદી પાણીની સાથે ફીણ વાળા કેમિકલયુકત પાણી ભળતા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા.દરમિયાન વિસ્તારમાં વરસાદી પાણીની સાથે ફીણવાળા પાણી નીકળવાની ઘટનાને લઈ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને પણ સ્થળ ઉપર તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.