-૨૦૦૦થી વધુના ટોળા સામે ફરિયાદ : ૧૭ ધરપકડ : પોલીસ કો જીન્દા જાને નહીં દેને કાના નારા એ કાવતરાની નિશાની : બૂમો પાડતાં બેહજારથી વધુ લોકો આવી ગયા
અમદાવાદ : અમદાવાદના શાહપુરમાં શુક્રવારે સાંજે બનેલી પોલીસ પર પથ્થરમારાની ઘટનાએ સમગ્ર પોલીસ તંત્રમાં હાહાકાર મચાવી દીધો છે.બે હજારથી વધુ લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો અને પોલીસ જવાનો ઘાયલ પણ થયા હતા.જો કે આ મુદ્દે ૧૭ લોકોની ધરપકડ થઈ છે.ડીસીપી ધર્મેન્દ્ર શર્માએ ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે કે,શાહપુરના પથ્થરમારાની ઘટના પૂર્વ આયોજીત કાવતરૂ હતુ અને આ ઘટના પાછળ કોઈ માસ્ટર માઈન્ડ હોવાની પણ સંભાવના છે.
પોલીસે આ સમગ્ર પ્રકરણમાં ૧૭ લોકોની ધરપકડ કરી છે અને મામલાની સઘન તપાસ ચાલુ છે.શાહપુરમાં ગઇકાલે પોલીસ પર પથ્થરમારાની ઘટનામાં પીઆઇ આર.કે.અમીન સહિત અન્ય કેટલાક જવાનો ઈજાગ્રસ્ત પણ થયા હતા.આ સમગ્ર ઘટના અંગે વાત કરતાં અમદાવાદ ઝોન-૨ના ડીસીપી ધર્મેન્દ્ર શર્માએ બહુ મહત્વનો અને ચોંકાવનારો ઘટસ્ફોટ કરતાં જણાવ્યું હતું કે,શાહપુર અડ્ડા પર આવેલા ડોડીયાવાડના નાકાની અંદર બે ત્રણ યુવકો ભેગા થઇને બહાર બેઠા હતા.ત્યારે ફુટ પેટ્રોલીંગ કરતા શાહપુર પોલીસ સ્ટેશનના પીઆઇ આર.કે.અમીન સહિતની ટીમે તેમને લોકડાઉનનું પાલન કરવાનું કહેતા મામલો બિચક્યો હતો.બહાર બેઠેલા યુવકોએ બૂમો પાડીને લોકોને બોલાવી લીધા હતા અને એકાએક પથ્થરમારો શરુ કરી દીધો હતો.જોત જોતામાં બે હજાર લોકોનું ટોળું એકઠું થઈ ગ્યું હતું.જો કે પોલીસ જવાનોએ સમય સુચકતા વાપરીને જાહેર રોડ પર આવી ગઇ હતી ત્યારે અચાનક ડોડીયાવાડ તથા સગરવાડાની પોળ અને રાજાજીની પોળના સ્થાનિકોએ પથ્થરમારો શરુ કરી દીધો હતો.
આ ઉપરાંત ટોળું પથ્થર મારો કરી રહ્યું હતું ત્યારે સ્થાનિકો એવું પણ બોલતાં સંભળાયા કે હરરોજ પોલીસ આકે હેરાન પરેશાન કરતી હે આજ પોલીસ કો સબક શીખાના હે ઓર આજ પોલીસ કો જીન્દા જાને નહી દેનેકા હે આ સાથે બે હજાર લોકો પાસે આટલાં બધા પથ્થરો ક્યાંથી આવ્યા તે સૌથી મોટો સવાલ છે.લોકડાઉન હતું તો લોકો પાસે ઘરમાં પથ્થર આવ્યા ક્યાંથી.ડીસીપી શર્માના કહેવા મુજબ શાહપુરમાં છેલ્લા ધણા દિવસોથી મામલો ગરમાય તેવી ગંધ પોલીસને આવી ગઇ હતી.છેલ્લા ૪-૫ દિવસોથી સ્થાનિકો કોઇના કોઇ કારણોસર પોલીસ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ સાથે માથાકુટ કરતા હતા.રસ્તો બંધ કરતા અથવા તો પેટ્રોલીંગના મામલે લોકો સરકારી કર્મચારીઓ અને પોલીસ સાથે બબાલ કરતા હતા.જેથી પોલીસને શંકા હતી કે મામલો તંગ થાય તેવી શક્યતા છે.હવે પોલીસ દ્વારા આ સમગ્ર મામલાની ઝીણવટભરી સઘન તપાસ ચાલી રહી છે.પોલીસ નક્કરતાથી કાયદેસર કાર્યવાહી હાથ ધરશે.