બેંગ્લુરુ, તા. ૧૫ : કર્ણાટક હાઈકોર્ટે સ્કૂલ-કોલેજમાં હિજાબ પહેરવાની મંજૂરીની માગણી કરતી અરજીઓ ફગાવી દીધી છે.હાઈકોર્ટના આદેશને પગલે હવે રાજ્યમાં સ્કૂલ-કોલેજોમાં હિજાબ પર પ્રતિબંધ ચાલુ રહેશે. જોકે, હાઈકોર્ટના ચૂકાદા પછી અરજદાર વિદ્યાર્થિનીઓએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે,અમને ન્યાય નથી મળ્યો.અમે હિજાબ પહેર્યા વિના સ્કૂલ-કોલેજ નહીં જઈએ.વિદ્યાર્થિનીઓએ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનું પણ જણાવ્યું હતું.
ઉડુપીની એક સ્કૂલની વિદ્યાર્થિનીઓએ સ્કૂલ-કોલેજમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂકવાના સરકારના આદેશ વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરી હતી.આ સંદર્ભમાં ૯મી ફેબુ્રઆરીએ મુખ્ય ન્યાયાધીશ રિતુ રાજ અવસ્થી,ન્યાયાધીશ કૃષ્ણા એસ.દીક્ષિત અને ન્યાયાધીશ જે.એમ. ખાજીની બેન્ચની રચના કરી હતી.વિદ્યાર્થિનીઓએ અરજીમાં કહ્યું હતું કે,હિજાબ તેમની ધાર્મિક આસ્થાનો ભાગ છે.તેથી તેમને ક્લાસરૂમની અંદર પણ હિજાબ પહેરવાની મંજૂરી આપવી જોઈએ.
હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂકતા રાજ્ય સરકારના આદેશને પડકારનારી વિદ્યાર્થિનીઓએ હાઈકોર્ટના ચૂકાદાના સંદર્ભમાં કહ્યું કે,આજે આવેલો ચૂકાદો ગેરબંધારણીય છે.બંધારણે પોતે જ અમને અમારા ધર્મને અનુસરવા અને અમે જે ઈચ્છીએ તે પહેરવા મંજૂરી આપી છે.તેમણે કહ્યું કે,હિજાબ પહેરવા મુદ્દે અમે હાઈકોર્ટમાં અરજી કર્યા પછી રાજ્ય સરકારે ડ્રેસ કોડ અંગેનો સરક્યુલર જાહેર કર્યો હતો.સરકારે આ રીતે અમારા પર દબાણ કર્યું હતું અને આ બાબતને એક મોટો મુદ્દો બનાવીને બધી જ છોકરીઓને શિક્ષણ મેળવતા અટકાવી દીધી હતી.