ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો ચુસ્ત પણે અમલ થતો હોય તેવી વાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ અવાર નવાર સરકારી અધિકારીઓ જ દારૂની પાર્ટી કરતા અથવા તો દારૂની બોટલો સાથે પકડાયા હોવાના કિસ્સાઓ સામે આવે છે.ત્યારે આ કિસ્સાઓ પરથી એવું લાગે છે કે,શું ખરેખર ગુજરાતમાં દારૂબંધીનો કડક કાયદો છે કે,પછી માત્ર કાગળો પર દારૂબંધીનો કડક કાયદો બનાવવામાં આવ્યો છે.રાજ્યમાં કેટલાક પોલીસકર્મીઓ દારૂની સપ્લાય કરતા પકડાય છે.તો કેટલીક જગ્યા પર પોલીસની રહેમ નજર હેઠળ દારૂનું વેચાણ થતું હોવાની પણ કિસ્સાઓ સામે આવે છે ત્યારે અમરેલીનાં ગેસ્ટ હાઉસમાં કસ્ટમ અધિકારીઓ જ દારૂની મહેફિલ માણતા પકડાયા હતા.પોલીસે ત્રણ કસ્ટમ ઓફિસરને દારૂની મહેફિલ માણતા પકડ્યા હતા અને તેમની પાસેથી એક બે નહીં પરંતુ 23 જેટલી દારૂ અને બિયરની બોટલો કબજે કરી હતી.
રિપોર્ટ અનુસાર અમરેલી લોકલ ક્રાઇમ બ્રાંચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. કરમટા અને PSI પી.એન. મોરીને બાતમી મળી હતી કે,અમરેલીના પીપાવાવ પોર્ટ કોલોનીમા ગેસ્ટ હાઉસ આવેલું છે તેમાં 3 કસ્ટમ અધિકારીઓ દારૂની મહેફિલ માણી રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા બાતમીના આધારે પીપાવાવ પોર્ટ કોલોનીના ગેસ્ટ હાઉસમાં દરોડો પાડવામાં આવ્યો હતો અને આ દરોડા દરમિયાન ગેસ્ટહાઉસના રૂમ નંબર 1માં પોલીસે 3 કસ્ટમ અધિકારીઓને દારૂ તથા બહારના દેશની બીયરની મહેફિલ માણતા પકડી પાડયા હતા. જેથી પોલીસે ગેસ્ટ હાઉસના રૂમમાંથી 400 ML ભરેલી દારૂની એક બોટલ, 3 કાચના ગ્લાસ, 23 બીયરના ટીન અને 3 મોબાઈલ આમ કુલ મળીને પોલીસે 17,800 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસના હાથે કસ્ટમ ઓફિસર પકડાયા છે તેમાં સુપ્રિટેન્ડેન્ટ ઓફિસર નિલેશ જોશી,સુપ્રિટેન્ડેન્ટ ઓફિસર ભગવાન મીના અને સુપ્રિટેન્ડેન્ટ ઓફિસર કિરપાનંદન ગુરુવનનો સમાવેશ થાય છે.પોલીસની તપાસમાં સામે આવ્યુ હતું કે, નિલેશ જોશી પોતાના કબજાવાળા રૂમમાં વિદેશથી દારૂ અને બહારના દેશનું બિયર લાવીને રાખતા હતા અને તેઓ લોકોને ભેગા કરીને તેમને દારૂ પીવડાવતા હતા.આ સમગ્ર મામલે DySp કે.જે. ચૌધરીએ જણાવ્યું હતું કે,લોકલ ક્રાઇમ બ્રાંચના સ્ટાફ રાત્રે ગેસ્ટ હાઉસ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો તે સમયે ગેસ્ટ હાઉસમાં કેટલાક ઇસમો દારૂની મહેફિલ માણતા હોવાનું જાણવા મળ્યું હતું.તેથી પોલીસ દ્વારા ગેસ્ટ હાઉસમાં રેડ કરવામાં આવી હતી અને 3 ઈસમોને પકડવામાં આવ્યા હતા.આ 3 આરોપીઓ પીપાવાવ પોર્ટની અંદર કસ્ટમર અધિકારી તરીકે ફરજ બજાવે છે અને તેમને રાત્રે 11 વાગ્યે દારૂની મહેફિલ ગેસ્ટ હાઉસમાં જમાવી હતી.