એક તરફ કોરોનાની મહામારી ગુજરાતમાં વકરી છે તો બીજી તરફ જાણે ગુજરાતમાં આંદોલનની સિઝન જામી છે.ભાજપ સરકાર માટે તો એક સાંધે ત્યાં તેર તૂટે તેવી દશા થઈ છે.બેરોજગારો અને શિક્ષકોના આંદોલન બાદ હવે રિક્ષાચાલકોએ રૂપાણી સરકાર સામે બાંયો ચડાવી છે.રિક્ષાચાલકોએ પોતાનામાં ઉકેલ્યા પ્રશ્નોને લઈને આંદોલન છેડ્યું છે.તેમની માગણી છે કે,લોકડાઉન બાદ રિક્ષાચાલકોની આર્થિક સ્થિતિ ખૂબ જ દયનીય બની છે.આ સંજોગોમાં ટ્રાફિક પોલીસ મેમા ફાડી ખોટી રીતે રિક્ષાચાલકોને હેરાન કરે છે.
રિક્ષાચાલકોએ રાજ્ય સરકાર સમક્ષ માંગણી કરી છે કે,ત્રણ મહિનાના ૧૫ હજારની સહાય સરકાર ચુકવે. આ ઉપરાંત સરકાર લાઈટ બિલ,ટેક્સ બિલ અને બાળકોની ફીમાં પણ રાહત આપે તેવી રિક્ષાચાલકોની માંગ છે.એવી પણ ચિમકી ઉચ્ચારી છે કે જો સરકાર માંગણીઓ નહીં સ્વીકારે તો ગુજરાત સરકારનો બહિષ્કાર કરવામાં આવશે અને આંદોલનને વધુ વેગવાન બનાવવામાં આવશે.અમદાવાદના બે લાખ રિક્ષાચાલકોએ રીક્ષાઓની પાછળ અમારી ભૂલ કમળનું ફૂલ એવા સૂત્રો સાથે બેનરો ચોંટાડી વિરોધ શરૂ કર્યો છે.


