ગુજરાતમાં એક તરફ આમ આદમી પાર્ટીનું કદ વધી રહ્યું છે અને લોકોમાં વધતા જતા પેટ્રોલ ડીઝલ અને અન્ય વસ્તુઓ ઉપરના વધતા ભાવોને લઈ જનતામાં નારાજગી છે તેવા સંજોગોમાં સરકાર અને ભાજપ સંગઠન વચ્ચે સંકલન જળવાઈ રહે અને આગામી રણનીતિ અંગે ચર્ચા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના બંગલે પક્ષના પ્રમુખ પાટીલ સાથે બે કલાક સુધી બંધબારણે બેઠક થઈ હતી.
ભાજપના ગુજરાત પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને છેલ્લે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત વખતે આ બન્ને નેતાઓને એમાંય ખાસ કરીને પાટીલને કડક સૂચના અપાઇ હતી કે સરકાર અને સંગઠન સાથે મળીને કામ કરે અને વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં લઇને તમામ ગતિવિધિઓ ઉપર ધ્યાન આપવા સૂચના અપાઈ હોવાનું કહેવાય છે.ગયા સપ્તાહે સરકારના તમામ મંત્રીઓએ વિવિધ જિલ્લાઓમાં પ્રવાસ કરી પોતાના વિભાગનાં કામોની પ્રગતિ અંગે સમીક્ષા કરી હતી,એને લઇને પણ રૂપાણી અને પાટીલ વચ્ચે વાતચીત થઇ હોય એ પણ સંભવ છે.આ બેઠકમાં તેમણે આગામી સમયમાં રાજ્યમાં થનારી આઇપીએસ અધિકારીઓની બદલી અંગે પણ ચર્ચા થઈ હોવાનું માનવામાં આવે છે.આમ આપની એન્ટ્રી બાદ ભાજપ એક જૂથ થઈ ટક્કર આપવા કટિબદ્ધ બન્યું હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે.


