– ‘રામના નામે આ સરકાર ‘રાવણ’ની આરાધના કરે છે તે સામાન્ય માનવી વિરોધી અને કોર્પોરેટ તરફી જ છે’
નવી દિલ્હી : ‘રામ મંદિર શિલાન્યાસની વર્ષગાંઠના દિવસે જ કાળા કપડા પહેરી મોંઘવારી અને બેકારી અંગે વિરોધ પ્રદર્શન કરવા માટે કેન્દ્રના ગૃહમંત્રી અમીત શાહે કોંગ્રેસ ઉપર તુષ્ટીકરણનો શુક્રવારે આક્ષેપ મૂક્યો હતો’
આ સામે વળતા પ્રહારો કરતા કોંગ્રેસના નેતા અધીરરંજન ચૌધરીએ કહ્યું હતુ કે, ‘રામના નામે, કોંગ્રેસ સામાન્ય લોકોનું ધ્યાન બીજે દોરવા પ્રયત્ન કરે છે.કારણ કે હવે તેમની પાસે એક જ શસ્ત્ર રહ્યું છે. રામ’
તે સર્વવિદિત છે કે સતત વધી રહેલી મોંઘવારી અને વધી રહેલી બેકારી સામે વિરોધ પ્રદર્શિત કરવા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાના નેતૃત્વ નીચે કોંગ્રેસ કાર્યકરોએ કાળા કપડા પહેરી દિલ્હીમાં વિજય ચોક પાસે ધરણાં કર્યા હતા તે પછી પોલીસે તેઓની અટકાયત પણ કરી હતી.કોંગ્રેસની આ કાર્યવાહીની ઉગ્ર ટીકા કરતા અમીત શાહે કહ્યું હતું કે, વાસ્તવમાં આ દિવસે જ વડાપ્રધાન મોદીએ ૨૦૨૦માં અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો તે દિવસે જ કાળા કપડા પહેરી વિરોધ પ્રદર્શિત કરવાનું કોંગ્રેસનું આ પગલું તેની તુષ્ટીકરણની નીતિ જ દર્શાવે છે.
શાહના આ કથન સામે કોંગ્રેસના પ્રત્યાઘાતો દર્શાવતા પક્ષના વરિષ્ઠ નેતા અધીરરંજન ચૌધરીએ કહ્યું હતું કે, તેમનો પક્ષ આકાશને સ્પર્શતા ભાવવધારા અને અભૂતપૂર્વ સ્તરે પહોંચી ગયેલી બેકારી સામે દર્શાવાયેલો વિરોધ ભાજપ સહી શકે તેમ નથી. રામના નામે આ સરકાર રાવણની આરાધી રહી છે. જનસામાન્ય તેના શાસન નીચે ત્રાસી ગયા છે કોંગ્રેસે આ સરકારને ‘ઉઘાડી’ પાડી દીધી છે, આ સરકાર લોક-વિરોધી છે અને માત્ર કોર્પોરેટ તરફી જ રહેલી છે.
આ પૂર્વે કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશે આક્ષેપ કર્યો હતો કે લોકોનું ધ્યાન બીજે દોરવા માટે,તેને બીજા પાટે ચઢાવી દેવા માટે અને ધુ્રવીકરણ કરવા સરકાર ઝાવાં મારી રહી છે અને વિષય મરોડ આ ભાવવધારા વિરોધ પ્રદર્શનને આપી રહી છે. માત્ર દુષિત માનસ જ આવી અર્થહીન દલીલો કરી શકે તે પણ સ્પષ્ટ છે આ વિરોધે ધાર્યું નિશાન પાડયું છે.
જયરામ રમેશે તેઓના ટ્વિટમાં આ પ્રમાણે કહેવા સાથે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા દેશના ગરીબ અને મધ્યમ વર્ગ ઉપર પડતા ભાવવધારા અને ફુગાવાના બોજા સામે રામે દર્શાવેલા માર્ગે જ યુદ્ધ ચલાવી રહ્યા છે.

