અમદાવાદ : અમદાવાદની બે દિવસીય મુલાકાતે આવેલાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહે સરકીટ હાઉસમાં ભાજપના નેતાઓ જ નહીં,ઉચ્ચ અધિકારીઓ સાથે મેરેથોન બેઠક યોજીને સંગઠનની કામગીરીથી માંડીને ગુજરાતની વર્તમાન રાજકીય સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
જો કે, એવું જાણવા મળ્યું છે કે, અમિત શાહ ભાજપની સંગઠનની કામગીરીથી ભારોભાર નારાજ છે.કોરોનાની બીજી લહેરમાં પક્ષની ધોવાયેલી રાજકીય પ્રતિષ્ઠાને પુન સૃથાપિત કરવા શાહે ભાજપના ટોચના નેતાઓને માર્ગદર્શન આપ્યુ હતું.સોમવારે અમિત શાહે અમદાવાદ-ગાંધીનગરને જોડતા ઓવરબ્રિજોનું લોકાપર્ણ કર્યુ હતું.આ ઉપરાંત રાજ્યપાલ સાથે પણ સૂચક મુલાકાત કરી હતી.અમિત શાહના પ્રથમ દિવસના આખાય પ્રવાસમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ બાદબાકી કરાઇ હતી જે ચર્ચાનો વિષય બની રહ્યો હતો.
સંગઠનની નબળી કામગીરીને લઇને અમિત શાહે પાટીલને ઠપકો આપ્યો હતો
મંગળવારે વૃક્ષારોપણના કાર્યક્રમ બાદ અમિત શાહ સીધા જ સરકીટ હાઉસ પહોંચ્યા હતાં જયાં કોરોના વખતે ભાજપ સંગઠને કરેલી કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કરાયુ હતું.જો કે, ભાજપ આઇટી ટીમના પૂર્વ પ્લાનિંગના અભાવે છેલ્લી ઘડીએ સ્ટેન્ડ પર ટીવી મૂકીને પ્રેઝન્ટેશન દેખાડાયુ હતું.ચર્ચા છે કે, સંગઠનની નબળી કામગીરીને લઇને અમિત શાહે પાટીલને ઠપકો પણ આપ્યો હતો.આ ઉપરાંત અમિત શાહે કોરોનાની બીજી લહેરમાં જેમણે મહત્વની કામગીરી નિભાવી તેવા મુખ્ય સચિવ અનિલ મુકિમ, કે.કૈલાશનાથન,અગ્ર સચિવ-ઉદ્યોગ ડો.રાજીવ ગુપ્તા,પંકજકુમાર સહિતના અિધકારીઓ સાથે વાતચીત કરી હતી.સાથે સાથે કોલવડાને અર્બન વિલેજ બનાવવા પણ શાહે સૂચન કર્યું હતું.
અધિકારીઓ સાથેની બેઠકમાં સાયન્સ સિટી,ગાંધીનગર રેલ્વે સ્ટેશન હોટલ અને ગાંધીઆશ્રમ પ્રોજેક્ટ સહિત વિકાસના કામોને કયાં સુધી પૂર્ણ થશે અને અત્યારે કયા સ્ટેજે કામગીરી ચાલી રહી છે તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.શાહે અત્યારે ગુજરાતની સાંપ્રત સ્થિતિ વિશે પણ તાગ મેળવ્યો હતો.આગામી વિધાનસભાની ચૂંટણીઓને જોતાં શાહનો બે દિવસીય પ્રવાસ રાજકીય દ્રષ્ટિએ ખુબ જ સૂચક માનવામાં આવી રહ્યો છે.


