– આજે પક્ષના નેતા-કાર્યકરો સાથે બેઠક યોજશે
કોલકાતા તા. 5 : કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહ આજથી બે દિવસના પશ્ચિમ બંગાળના પ્રવાસે પહોંચ્યા હતા. 2021માં આવી રહેલી રાજ્યવિધાનસભાની ચૂંટણીની પૂર્વતૈયારીના એક ભાગ રૂપે તેઓ પશ્ચિંમ બંગાળ ગયા હતા.
આજે ગુરુવારે તેઓ પશ્ચિમ બંગાળ ભાજપના નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક યોજશે.તેમની સાથે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકુલ રૉય તથા રાષ્ટ્રીય મહામંત્રી કૈલાસ વિજવર્ગીય પણ છે.એરપોર્ટ પર તેમને અમિત શાહ ઝિંદાબાદ અને ભારત માતા કી જયના સૂત્રો દ્વારા વધાવી લેવામાં આવ્યા હતા.
દિલ્હીથી રવાના થવા પહેલાં અમિત શાહે બંગાળી ભષામાં સોશ્યલ મિડિયા પર એક સંદેશો મૂક્યો હતો.એમાં જણાવ્યું હતું કે હું આજથી પશ્ચિમ બંગાળના બે દિવસના પ્રવાસે આવી રહ્યો છું.મારે ભાજપના પશ્ચિમ બંગાળ એકમ,સ્થાનિક લોકો અને મિડિયામાં રહેલા મિત્રો સાથે વાતો કરવી છે.કોરોનાના રોગચાળા પછી અમિત શાહની આ પહેલી બંગાળ યાત્રા હતી.આ પહેલાં તેઓ ચાલુ વર્ષના માર્ચની પહેલીએ અહીં આવ્યા હતા.
આવતા વરસે આવી રહેલી રાજ્ય વિધાનસભાની ચૂંટણી પહેલાં પક્ષને સુદ્રઢ કરવાની ભાવનાથી અમિત શાહે આ પ્રવાસ યોજ્યો હતો.તાજેતરમાં યોજાએલા એક સર્વેમાં જણાવાયા મુજબ પશ્ચિમ બંગાળમાં ભાજપની ઇમેજ પહેલાં કરતાં મજબૂત બની રહેલી જણાતી હતી.