– ગુજરાત ભાજપ સરકારના મતભેદોના ‘ત્રિકોણ’થી પક્ષના મેન્ટર નારાજ: પંચતંત્રની ‘વાર્તા’ પણ કરી : મોવડી મંડળની ક્ષમતા પણ બતાવી
– કોણ કોના ફોન ઉપાડતા નથી ત્યાં સુધીની ફરીયાદો થઈ : ‘આપ’નો ડર પણ દેખાયો : 2022માં 2017 જેવી સ્થિતિ નથી જોઈતી : સ્પષ્ટ વાત
ગુજરાતમાં લાંબા સમયથી રાજય સરકારમાં બે ટોચના પદાધિકારીઓ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ વચ્ચે ચાલી રહેલા મતભેદો અને બાદમાં પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલની એન્ટ્રી સાથે જ મતભેદોનો જે ‘ત્રિકોણ’ રચાયો તેમાં સતત બહાર આવતા વિવાદ પર પૂર્ણવિરામ મુકવાની કોશીષ કરતા ગુજરાત ભાજપના મેન્ટર કેન્દ્રીય ગૃહમંત્રી અમીતભાઈ શાહે તેમની બે દીવસની ગુજરાત મુલાકાત સમયે ફકત ‘અલ્ટીમેટમ’ શબ્દનો જ ઉપયોગ કરવાનું બાકી રાખ્યું હતું અને ત્રણેય ટોચના નેતાઓ તથા ગુજરાત ભાજપને સ્પષ્ટ સંદેશો આપી દીધો હતો.તે ફકત વૃક્ષારોપણ કરવા કે પુલોના ઉદઘાટન કરવા જ ગુજરાત આવ્યા નથી અને ભાજપ મોવડીમંડળ પાસે અનેક વધુ હજું મહત્વના વિવાદ છે તથા ગુજરાત તેમાં વધારો ન કરે તે પણ તાકીદ કરી સૌને સરમ છોડવા અને 2022 માટે તૈયારી કરવા માટે ખાસ સૂચના આપી ગયા છે.હવે પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ પક્ષના ત્રણેય નેતાઓ કઈ રીતે ‘પંચ-અપ’ કરી શકે છે તેના પર સૌની નજર છે. પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ રસપ્રદ રીતે આ મુલાકાતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહની બોડી લેંગ્વેજ જ અલગ હતી અને તેનો અંદાજ ટોચની ત્રિપુટીને આવી જ ગયો હતો.ભાજપના સૂત્રોએ પરીસ્થિતિની સમીક્ષા કરતા જણાવ્યું કે જો સરકારમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બન્ને વચ્ચે મતભેદ હોય તો કેબીનેટ જ નહી સરકાર-અધિકારીઓ તથા પક્ષમાં અંતે લોકોમાં જ ખોટો સંદેશ જશે.રસપ્રદ રીતે આ નેતાઓને સમજાવવા ‘પંચતંત્ર’ ની વાર્તાનો સહારો લેવો પડયો હતો અને એમ પણ કહી દીધું કે મોવડીમંડળને તમામ પ્લગ ફીકસ કરતા આવડે જ છે.મુખ્યમંત્રી કેમ્પના જણાવ્યા મુજબ કોણ કોના ફોન ઉપાડતું નથી તે સુધીની ફરિયાદો થઈ હતી અને શ્રી શાહે હાલની વ્યવસ્થામાં જ સૌએ સાથે કામ કરવાનું છે તેવો મજબૂત સંદેશા આપી દીધો હતો.
શાહે એક તબકકે નીતીન પટેલ બાદમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પછી બન્ને સાથે સંયુક્ત બેઠક હતી અને છેલ્લે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે બેઠક કરી હતી.પાટીલ જે રીતે પક્ષમાં અલગ શો કરી રહ્યા છે તે અંગે પણ શાહે નારાજગી વ્યક્ત કરી હતી.સૂત્રોના જણાવ્યા મુજબ સમગ્ર ચર્ચામાં ‘આપ’ ફેકટર પણ ચમકયું હતું જે ખાસ કરીને કોંગ્રેસના મતો તો ઘટાડે પણ ભાજપની જે વિશાળ પાટીદાર વર્ગ નારાજ છે તેના મતો પણ મેળવી જાય તો 2022માં 2017 જેવી સ્થિતિ ઉભી થઈ શકે છે.આ બેઠકમાં છેલ્લા ત્રણ વર્ષથી કોંગ્રેસના જે ધારાસભ્યોને ભાજપમાં લાવીને બેસાડાયા છે તેમની પણ ચર્ચા થઈ હતી અને પક્ષનો રોડમેપ ત્રણેય સાથે મળીને રજુ કરે તેવી સૂચના આપી હતી.
અમીત શાહ પાસે નડ્ડા ફોર્મ્યુલા પણ હતી
ગુજરાતમાં બે દીવસ રોકાઈને પક્ષમાં ‘ઓલ-વેલ’ દેખાય તેવો પ્રયાસ કરી ગયેલા કેન્દ્રના ગૃહમંત્રી તથા ભાજપના ચાણકય એ ગુજરાત ભાજપના ત્રણ સીનીયર નેતાઓને ‘નડ્ડા’ ફોર્મ્યુલા પણ બનાવી હતી અને એ સંદેશ આપવા પ્રયાસ કર્યો કે ભાજપ મોવડીમંડળ પ્લાન બી તૈયાર જ રાખે છે.ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ હાલમાં જ ગુજરાતની મુલાકાતે આવેલા પક્ષના પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવ બે તબકકામાં પરીસ્થિતિ પારખી ગયા હતા અને તેઓએ મોવડીમંડળને ગુજરાત ભાજપમાં નવી ફોર્મ્યુલા મુકવી જરૂરી ગણાવી હતી.જેમાં પક્ષના પ્રમુખ જે.પી.નડ્ડાએ વર્તમાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને યથાવત રાખીને પછી નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલને પ્રદેશ પ્રમુખ બનાવવા અને સી.આર.પાટીલને કેન્દ્રમાં લઈ જવા તે એક માર્ગ શોધાયો હતો પણ તે તેમાં નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે તેમાં 2017નો અનુભવ યાદ કરીને પક્ષમાં જવાનો ઈન્કાર કર્યા ઉપરાંત તેઓએ એ પણ કહ્યું કે જે રીતે પાટીદાર એક ફેકટર બનવા માંગે છે તેમાં આ પ્રકારના ફેરફાર ખોટો સંદેશો જશે અને પાટીલને ફકત 1 વર્ષમાં ખસેડવા પડે તેવી સ્થિતિ નથી.ફકત જે મતભેદ છે તે અહંમનો ટકરાવ છે પણ તેનાથી કાર્યકર્તામાં ભાગલા પડી રહ્યા છે.વફાદારીઓ બદલાઈ રહી છે તે પણ વાસ્તવિકતા છે અને આ મૂદાઓને મોવડીમંડળે ઉકેલવા જોઈએ.
રેમડેસીવીર વિવાદ : પાટીલે હાઈકોર્ટમાં રાજકીય જવાબ રજુ કર્યા : વિપક્ષ પર આરોપ
ગુજરાતમાં કોરોના સંક્રમણ સમયે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જે રીતે રેમડેસીવીર વહેચી હતી તેના વિવાદમાં હાઈકોર્ટમાં કરેલા સોગંદનામામાં સમગ્ર ફરિયાદ રાજકીય દુશ્મનાવટથી થઈ હોવાનું તથા તેઓએ કોઈ રીતે ફૂડ એન્ડ ડ્રગ એકટનો કે કાનૂનનો ભંગ કર્યો નહી હોવાનો બચાવ કર્યો હતો.ગુજરાત હાઈકોર્ટમાં રેમડેસીવીર વિવાદમાં વિપક્ષના નેતા શ્રી પરેશ ધાનાણીએ સરકારી સીસ્ટમ આસપાસ કરીને જે રીતે સી.આર.પાટીલ તથા સૂરતના ધારાસભ્ય હર્ષ સંઘવીએ 2500થી વધુ રેમડેસીવીર ઈન્જેકશન મેળવ્યા તેમાં જવાબમાં પાટીલે સમગ્ર પ્રકરણને રાજકીય વેગ આપવા પ્રયાસ કર્યા હતા અને તેઓ તો ‘સેવા’ કરવા માંગતા હતા તેઓ બચાવ કર્યો હતો.જો કે દિલ્હી અને મહારાષ્ટ્રમાં આજ પ્રકારના કેસમાં હાઈકોર્ટ ભાજપ- આમ આદમી પાર્ટી કોંગ્રેસના નેતાઓના કૃત્યને ગેરકાનૂની ગણાવ્યું હતું હવે પાટીલના આ જવાબને હાઈકોર્ટ કઈ રીતે લે છે તેના પર સૌની નજર છે.આ અગાઉ આ રેમડેસીવીર સૂરત અને નવસારી મેડીકલ સ્ટોર્સમાંથી ખરીદી હતી પણ જયારે રાજય સરકાર એક એક ઈન્જેકશનનો હિસાબ કરતી હતી અને લોકો ઈન્જેકશનના એક એક વાયલ માટે દોડતા ભટકતા હતા તો કઈ રીતે સિસ્ટમ બહાર હજારો ઈન્જેકશન મેળવાયા તે અંગે ખુદ મુખ્યમંત્રીએ પણ અજ્ઞાનતા દર્શાવી તે સૂચક છે.


