– અમૃતપાલ સિંઘના ઘરે પહોંચેલી પંજાબ પોલીસે માતા-પિતાને કર્યા પ્રશ્નો
– અમૃતપાલ સિઘ કેસમાં અત્યાર સુધીમાં 154 લોકોની કરાઈ ધરપકડ
અમૃતસર, તા.22 માર્ચ-2023, બુધવાર : પંજાબ પોલીસે આજે બપોરે ‘વારિસ પંજાબ દે’ના પ્રમુખ તેમજ ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહના માતા-પિતાની પૂછપરછ કરી હતી.પોલીસની ટીમ બપોરે લગભગ 1 વાગ્યે જલ્લૂપુર ખેડા ગામમાં અમૃતપાલ સિંહના ઘરે પહોંચી હતી અને લગભગ દોઢ કલાક બાદ ત્યાંથી પરત આવી હતી.પોલીસે અમૃતપાલના માતા-પિતાને અમૃતપાલ અંગે પ્રશ્નો કર્યા હતા.જોકે પિતા તરસેમ સિંહ અને માતાએ કહ્યું કે, તેમની પાસે અમૃતપાલ વિશે કોઈપણ માહિતી નથી.અમૃતપાલના ઘરે પહોંચેલી પોલીસ ટીમમાં સેન્ટ્રલ એજન્સીના અધિકારીઓ સામેલ હોવાના અહેવાલ હતા,જોકે તેની સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી.અમૃતપાલ સિંહના ઘરની બહાર પોલીસની ટીમ તૈનાત છે.
અત્યાર સુધીમાં 154ની ધરપકડ છતાં અમૃતપાલ મામલે પોલીસના હાથ ખાલી
5 દિવસ વિતવા છતાં પંજાબ પોલીસ અમૃતપાલને પકડી શકી નથી.આ કેસમાં અત્યાર સુધીમાં પંજાબમાંથી 154 લોકોની ધરપકડ કરાઈ છે.તો 5 લોકોને આસામની ડિબ્રુગઢ સેન્ટ્રલ જેલમાં મોકલાયા છે.અમૃતપાલ સહિત 6 લોકો સામે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (રાસુકા) હેઠળ કાર્યવાહી કરાઈ છે,આ કાર્યવાહીમાં અમૃતપાલના કાકાનું નામ પણ સામેલ છે.પંજાબ પોલીસે મંગળવારે રાત્રે અમૃતપાલ વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર પણ જારી કર્યો છે.એવું કહેવાય છે કે, અમૃતપાલ સિંહ સતત પોતાનો વેશ બદલી રહ્યો છે,જેના કારણે પંજાબ પોલીસે અમૃતપાલની કેટલીક તસવીરો પણ જાહેર કરવી પડી હતી.
અમૃતપાલને બાઈક આપનાર બેની ધરપકડ
સુખદીપ અને ગૌરવ નામના બે વ્યક્તિઓએ અમૃતપાલને બે બાઈક પુરી પાડી હતી.પોલીસે તેમને કસ્ટડીમાં લીધા છે.અમૃતપાલના નવા CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.અમૃતપાલ ટોલ પ્લાઝા પર કારમાં જતો જોવા મળી રહ્યો છે.આ વીડિયો શનિવારે રાત્રે લગભગ 11.30 વાગ્યાનો છે.બીજી તરફ પંજાબ પોલીસે અમૃતપાલ વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (રાસુકા) હેઠળ કેસ નોંધ્યો છે.અગાઉ તેના કાકા સહિત 5 લોકો પર રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ લગાવાઈ છે.
ગુપ્તચર એજન્સીઓના રડાર પર હતો અમૃતપાલ
અમૃતપાલ સિંઘની તમામ હરકતો પર કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ નજર રાખી રહી હતી. 4 મહિના પહેલા તેની સામે કાર્યવાહી કરવા જણાવ્યું હતું.ઉપરાંત દિલ્હીમાં તમામ રાજ્યોના પોલીસ મહાનિર્દેશકો (DGP)ની બેઠકમાં પંજાબના DGP ગૌરવ યાદવે અમૃતપાલના મામલાને ગંભીરતાથી લીધો હતો.ફેબ્રુઆરીમાં પોલીસે તેના સમર્થકો વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.આ દરમિયાન તેના એક સાથીની પણ પોલીસે ધરપકડ કરી હતી.અમૃતપાલ સિંઘે તેના સાથીને છોડાવવા માટે ટોળા સાથે અજનાલા પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો.એટલું જ નહીં તેણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ ધમકી આપી હતી.ત્યારબાદ પંજાબ પોલીસે અમૃતપાલ વિરુદ્ધ કાર્યવાહીની રણનીતિ બનાવી હતી.