નવી દિલ્હી,તા.19 જાન્યુઆરી,બુધવાર : એર ઈન્ડિયાએ જણાવ્યું છે કે, અમેરિકામાં 19 જાન્યુઆરીથી 5જી ઈન્ટરનેટના કારણે અમેરીકી ફ્લાઈટ્સને રદ અથવા તો ફેરફાર કરવો પડશે.યુએસ ઉડ્ડયન નિયામક ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને જણાવ્યું હતું કે,5જીના કારણે વિમાનના રેડિયો અલ્ટીમીટર એન્જિન અને બ્રેક સિસ્ટમમાં અવરોધ ઉત્પન્ન થઈ શકે છે જેનાથી રનવે પર વિમાનને લેન્ડ થવામાં અવરોધ ઊભો થઈ શકે છે.
અમેરિકી વિમાન કંપનીઓએ એફએએને સોમવારે પત્ર લખીને કહ્યુ હતુ કે,5જીના કારણે વિમાન ક્ષેત્રમાં મોટુ સંકટ ઊભુ થઈ શકે છે.આ કંપનીઓમાં યુનાઈટેડ એરલાઈન્સ,અમેરિકન એરલાઈન્સ,ડેલ્ટા એરલાઈન્સનો સમાવેશ થાય છે.એર ઈન્ડિયા ઉપરાંત અન્ય બે કંપનીઓ યુનાઈટેડ એરલાઈન્સ અને અમેરિકન એરલાઈન્સ ભારત અને અમેરિકા વચ્ચે ઉડાન ભરે છે.
આ વિમાન કંપનીઓએ પત્રમાં જણાવ્યું કે,એરપોર્ટના રનવેના બે-માઇલ વિસ્તારને છોડીને સમગ્ર યુ.એસ.માં ગમે ત્યાં 5G ઇન્ટરનેટ સેવા પુનઃસ્થાપિત કરો.બીજી તરફ,એર ઈન્ડિયાએ મંગળવારે ટ્વિટ કર્યું કે,અમેરિકામાં 5G કોમ્યુનિકેશન સર્વિસની જમાવટને કારણે,19 જાન્યુઆરીથી ભારતથી અમેરિકા સુધીની અમારી સેવા રદ કરવી પડશે અથવા તેમાં ફેરફાર થઈ શકે છે.આ અંગેની નવીનતમ માહિતી ટૂંક સમયમાં આપવામાં આવશે.
વિક્રમ બન્યા એર ઈન્ડિયાના પ્રમુખ.વરિષ્ઠ અમલદાર વિક્રમ દેવ દત્તને એર ઈન્ડિયા લિમિટેડના નવા ચેરમેન સહ મેનેજિંગ ડિરેક્ટર (CMD) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.તેની સાથે કેન્દ્ર સરકારના ઘણા અધિકારીઓની મંગળવારે બદલી કરવામાં આવી છે.એજીએમયુટી કેડરના 1993ની બેચના અધિકારી દત્ત હાલમાં દિલ્હી સરકારમાં પર્યટન વિભાગના પ્રધાન સચિવ છે.એર ઈન્ડિયાને ભારત સરકાર ટાટા સન્સને વેચી ચુકી છે.


