। નવી દિલ્હી ।
અમેરિકામાં એક જ દિવસમાં કોરોના વાઇરસના કારણે ૮૭૪ મોત થતાં દેશમાં મોતનો કુલ આંકડો ૯૦૦૦ને પાર કરી ગયો હતો. દુનિયાના કોઇપણ દેશમાં એક જ દિવસમાં નોધાયેલા આ સૌથી વધુ મોત છે. બીજી તરફ ૫૯૪ મોત એકલા ન્યૂયોર્કમાં નોંધાયાં હતાં. ન્યૂયોર્ક શહેરમાં ૫૯૪ સાથે મોતનો કુલ આંકડો ૪૧૫૯ ઉપર પહોંચી ગયો હતો. ન્યૂયોર્કની હોસ્પિટલો મૃતદેહોથી ઊભરાઇ રહી છે. અમેરિકામાં શનિવારે કોરોના વાઇરસના ૩૩,૩૨૪ નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આમ દેશમાં કોરોના વાઇરસના કુલ દર્દીઓની સંખ્યા ૩,૧૧,૬૩૨ પર પહોંચી ગયો હતો. ન્યૂયોર્ક સ્ટેટમાં મોતનો કુલ આંકડો ૩૫૬૫ પર પહોંચ્યો છે. રાજ્યમાં નવા ૧૦,૬૭૫ પોઝિટિવ કેસ નોંધાતાં કુલ કેસ ૧,૧૩,૮૩૩ પર પહોંચ્યા હતા.
ન્યૂયોર્ક શહેરની હોસ્પિટલો મૃતદેહોથી ઊભરાઇ રહી છે. ફ્યુનરલ હોમ્સમાં કર્મચારીઓ અંતિમ ક્રિયા માટે ઓવરટાઇમ કરી રહ્યાં હોવા છતાં પહોંચી ન વળતા હોવાથી મૃતદેહોને રેફ્રિજરેટેડ ટ્રકોમાં મૂકી રાખવાની ફરજ પડી રહી છે.
ન્યૂયોર્ક પોલીસ અને ફાયર ડિપાર્ટમેન્ટના ૧૦,૦૦૦ કર્મચારી માંદા પડતાં કાયદો વ્યવસ્થા તાક પર, લૂંટફાટનો ભય વધ્યો છે. ન્યૂયોર્ક શહેરમાં પોલીસ બેડાના ૬૫૦૦ કર્મચારી માંદગીના કારણે ફરજ પર હાજર રહી ન શકતા શહેરમાં કાયદો અને વ્યવસ્થા તાક પર મુકાઇ છે. મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ માંદા પડી ગયા હોવાથી શહેરમાં લૂંટફાટનો ભય વધી ગયો છે. તે ઉપરત ન્યૂયોર્ક ફાયર ડિપાર્ટમેન્ટ એફડીએનવાયના ૪૦૦૦ કર્મચારી પણ માંદગીની રજા પર હોવાથી શહેરમાં આગના બનાવો મોટી મુસીબત બને તવી સંભાવના છે.
દેશનો વિનાશ થવા દેવાય નહીં, આપણે કામ પર જવું જ પડશે : ડોનાલ્ડ ટ્રમ્પ
સમગ્ર અમેરિકામાંથી લોકડાઉન ઉઠાવી લેવાનો સંકેત આપતાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, દેશનો વિનાશ થવા દેવાય નહીં. આપણે આપણા કામ પર જવું જ પડશે. આપણે મહિનાઓ સુધી આ પ્રકારની સ્થિતિમાં રહી શકીએ નહીં. દેશમાંથી લોકડાઉન ઉઠાવી લેવાનો નિર્ણય બહુ મોટો હશે. ઇલાજ સમસ્યા કરતાં બદતર હોઇ શકે નહીં. ટ્રમ્પના આ નિવેદનના કારણે અમેરિકામાં બિઝનેસ અને અન્ય સેવાઓ ફરી શરૂ કરી દેવાય તેવા સંકેતો પ્રાપ્ત થઇ રહ્યા છે. ટ્રમ્પે ચેતવણી આપી હતી કે આગામી સપ્તાહ અમેરિકા માટે અત્યંત આકરું બની રહેશે. આગામી સપ્તાહમાં અમેરિકામાં મોતનો આંકડો ઘણો મોટો હોઇ શકે છે.
બ્રિટનમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭૦૮નાં મોત, દર પાંચમાંથી એક ડોક્ટર રજા પર
બ્રિટનમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાઇરસે ૭૦૮ માનવીનો ભોગ લીધો હતો. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૪૩૧૩ લોકોના કોરોના વાઇરસના કારણે મોત થયાં છે અને ૪૧,૯૦૩ પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્યા છે. બ્રિટનમાં આરોગ્ય સેવાઓના કર્મચારીઓ ઓછા સ્ટાફ સાથે કોરોના વાઇરસની બીમારી સામે ઝઝૂમી રહ્યા છે. એક સર્વે અનુસાર દેશમાં દર પાંચમાંથી એક ડોક્ટર કોરોનાની માંદગીના કારણે રજા પર છે. એટલે કે કુલ પૈકીના ૧૮ ટકા એટલે કે ૨૫૦૦ ડોક્ટર હાલ સેવામાં મોજૂદ નથી.
છેલ્લા ૨૪ કલાક : કોરોના વર્લ્ડ વાઇડ
આંકડો દેશો
૧૦૫૩ મોત ફ્રાન્સ
૭૪૯ મોત સ્પેન
૭૦૮ મોત બ્રિટન
૬૮૧ મોત ઇટાલી
૧૬૯ મોત જર્મની
૧૬૪ મોત નેધરલેન્ડ
૧૫૮ મોત ઇરાન
૧૪૦ મોત બેલ્જિયમ
વેટિકનમાં પોપ ફ્રાન્સિસે ભક્તજનો વિના જ પામ સન્ડેની ઉજવણી કરી
પોપ ફ્રાન્સિસે રવિવારે વેટિકન ખાતેના સેન્ટ પીટર્સ બેસિલિકા ખાતે ખ્રિસ્તી તહેવાર પામ સન્ડેની કોઇપણ ભક્તજનની હાજરી વિના જ ઉજવણી કરી હતી. પામ સન્ડેની ભજનસેવામાં પોપ ફ્રાન્સિસના કેટલાક નિકટના સહયોગી જ સામેલ થયા હતા. સામાન્ય સંજોગોમાં સેન્ટ પીટર્સ બેસિલિકા ખાતે પામ સન્ડેની ઉજવણીમાં લાખો લોકો હાજર રહેતા હોય છે.
ટેક્સાસમાં ચેતવણી અવગણી ૭૦ જણે ફ્લાઇટ ચાર્ટર્ડ કરી, ૪૪ કોરોના પોઝિટિવ
ટેક્સાસના ૭૦ યુવાનો સરકારની ચેતવણીને અવગણીને એક વિમાન ચાર્ટર્ડ કરીને વેકેશન મનાવવા મેક્સિકો પહોંચ્યા હતા. મેક્સિકોથી પરત આવ્યા બાદ આ તમામના કોરોના ટેસ્ટ કરાતાં ૪૪ના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. આ તમામ ટેક્સાસ યુનિર્વિસટીના વિદ્યાર્થી હતા.
કોરોના મીટર । એરાઉન્ડ ધ વર્લ્ડ
૧૨,૫૪,૩૫૨ કુલ પોઝિટિવ કેસ
૨,૫૭,૨૪૪ અત્યાર સુધીમાં સાજા
૬૮,૧૭૮ અત્યાર સુધીમાં કુલ મોત
૮૪,૮૧૦ નવા પોઝિટિવ કેસ ૧ દિવસમાં