વોશિંગ્ટન : અમેરિકામાં માસ શૂટિંગની વધતી ઘટનાઓ વચ્ચે વ્યાપક સ્તરે ગન કંટ્રોલની માગ ઊઠી હતી.પરંતુ સુપ્રીમ કોર્ટે ગુરુવારે રસ્તા પર પોતાની સાથે બંદૂક રાખવાના અધિકારની તરફેણમાં ન્યૂયોર્ક ગન કાયદો રદ કર્યો હતો.સુપ્રીમના આ ચૂકાદાના પગલે ન્યૂયોર્ક,લોસ એન્જેલ,બોસ્ટન જેવા શહેરોમાં વધુ લોકો રસ્તા પર બંદૂક લઈને ફરતા જોવા મળશે તેવી સંભાવનાઓ વધી ગઈ હોવાનું નિષ્ણાતોનું કહેવું છે.
અમેરિકામાં ટેક્સાસ,ન્યૂયોર્ક અને કેલિફોર્નિયામાં તાજેતરમાં જ સામૂહક ગોળીબારની ઘટનાઓ વધવાના પગલે કોંગ્રેસ સક્રિયતાથી ગન કંટ્રોલ માટે કાયદો બનાવવા કામ કરી રહી છે તેવા સમયે સુપ્રીમ કોર્ટનો આ ચૂકાદો મહત્વપૂર્ણ છે.સુપ્રીમના આ ચૂકાદાની અમેરિકાના મોટા રાજ્યોમાં લગભગ ચોથા ભાગની વસતી પર અસર પડવાની શક્યતા છે.
ન્યાયાધીશ ક્લેરેન્સ થોમસે ચૂકાદામાં લખ્યું હતું કે,ઘરની બહાર સ્વરક્ષણ માટે હેન્ડ ગન સાથે રાખવાના વ્યક્તિના અધિકારને બંધારણનું રક્ષણ મળેલું છે.બંદૂકો રાખવાની તરફેણ કરતા તેમના ચૂકાદામાં ન્યાયાધીશોએ ન્યૂયોર્ક કાયદો રદ કર્યો હતો.આ કાયદામાં લોકો માટે જાહેરમાં બંદૂક રાખવાનું લાઈસન્સ મેળવીને એક બંદૂક સાથે રાખવા માટેનું ચોક્કસ કારણ જણાવવાનું જરૂરી બનાવવામાં આવ્યું હતું.બંદૂકો રાખવાના અધિકારની તરફેણ કરતા તેમના નિર્ણયમાં ન્યાયાધીશોએ જણાવ્યું હતું કે ન્યૂયોર્ક ગન લો’હથિયાર સાથે રાખવા’ના સેકન્ડ અમેન્ડમેન્ટના અધિકારનો ભંગ કરે છે.સુપ્રીમ કોર્ટના આ ચૂકાદાના પરિણામે કેલિફોર્નિયા,હવાઈ,મેરીલેન્ડ,માસાચ્યુસેટ્સ,ન્યૂ જર્સી અને રોડ આઈલેન્ડમાં આવા જ કાયદાઓને પડકારવામાં આવશે તેવી શક્યતા છે.બાઈડેન વહીવટી તંત્રે ન્યાયાધીશોને ન્યૂયોર્ક ગન કાયદાને જાળવી રાખવા વિનંતી કરી હતી.
ન્યૂયોર્ક ગન કાયદાના સમર્થકોએ દલીલ કરી હતી કે આ કાયદો રદ કરવાથી છેવટે રસ્તા પર વધુ લોકોને બંદૂક સાથે રાખવાનો અધિકાર મળશે,જેથી એકંદરે માસ શૂટિંગમાં વધારો થવાની આશંકા છે.સુપ્રીમ કોર્ટનો ચૂકાદો એવા સમયે આવ્યો છે જ્યારે કોરોના મહામારી દરમિયાન માસ શૂટિંગની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.મોટાભાગના દેશોમાં બંદૂકના માલિકો માટે જાહેરમાં બંદૂક લઈને ફરવું થોડુંક મુશ્કેલ છે.સુપ્રીમ કોર્ટે છેલ્લે ૨૦૧૦માં બંદૂકો અંગે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો હતો.તે વખતના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ સ્વ-રક્ષણ માટે ઘરમાં એક બંદૂક રાખવાના રાષ્ટ્રવ્યાપી અધિકારને મંજૂરી આપી હતી.