અમદાવાદ : થોડા મહિના કેનેડાના જોખમી રસ્તેથી અમેરિકામાં પ્રવેશ કરી રહેલા એક જ પરિવારના ચાર સભ્યોના મરણ થયા હતા. તેમ છંતાય, હજુ પણ ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુષણખોરી કરવાના કિસ્સા બહાર આવી રહ્યા છે.જેમાં એક સપ્તાહ પહેલા કેનેડા- અમેરિકા બોર્ડર પરથી છ ભારતીયો ઝડપાયા હતા.જે તમામ મહેસાણા જિલ્લાના વતની હતા.જે અંગે અમેરિકન એમ્બેસીએ ગુજરાત પોલીસને રિપોર્ટ કર્યો હતો.જેને આધારે મહેસાણા પોલીસે તપાસ શરૂ કરી છે.જેમાં તેમને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવાની કામગીરી કરનારા એજન્ટની તથા અન્ય વિગતો મેળવવામાં આવી રહી છે.અમેરિકા-કેનેડા બોર્ડર પર સેંટ રેગીસ નદીના માર્ગથી બોટ દ્વારા અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ કરી રહેલા છ ભારતીયોને અમેરિકન પોલીસે ઝડપી લીધા હતા.જેમાં તમામ છ યુવકો ૧૯ થી ૨૧ વર્ષની વયના હતા અને તમામ મહેસાણા જિલ્લાના વતની હોવાનું બહાર આવ્યું હતું.જેમાં તેમના નામ એન એ પટેલ, ડી એચ પટેલ, એન ઇ પટેલ, યુ એ પટેલ, એસ ડી પટેલ અને ડી એ પટેલ હોવાનું જાણવા મળ્યું હતું.જો કે તેમની સાથે આવેલો સાતમો વ્યક્તિ ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુસી ગયો હતો.જેથી અમેરિકન પોલીસે આ અંગે ગુજરાત પોલીસને તમામ નામ, સરનામા, પાસપોર્ટની વિગતો સહિતની માહિતી મોકલી આપી હતી.જેના આધારે મહેસાણા પોલીસે તપાસ શરૂ કરી છે.મહેસાણાના જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગીએ જણાવ્યું હતુ કે તેમના નામ સરનામાને આધારે તેમના પરિવારને શોધવાની સાથે તે ક્યા એજન્ટની મદદથી કેનેડા સુધી પહોંચ્યા હતા.તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે જાન્યુઆરી મહિનામાં ગાંધીનગરના ડીંગુચાના વતની જગદીશ પટેલ અને તેમના પત્ની અને બે સંતાનો ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુષણખોરી કરી રહ્યા હતા.ત્યારે થીજી જવાથી તમામના મરણ થયા હતા.ત્યારબાદ કેનેડા બોર્ડર પર કડકાઇ પૂર્વક કામગીરી કરવામાં આવી રહી હોવા છંતાય, હજુપણ બિનઅધિકૃત રીતે પ્રવેશ કરાવતુ નેટવર્ક કાર્યરત છે.


