– કલાકના 1 ડોલરનું મહેનતાણું ચૂકવીને BAPS દ્વારા અમાનવીય શોષણ કરાયાની શ્રમિકોની ન્યૂજર્સીની કોર્ટમાં ફરિયાદ
– હોમલેન્ડ સિક્યોરિટી અને લેબર ડિપાર્ટમેન્ટ પણ BAPS સામેની તપાસમાં જોડાયાનો ન્યૂયોર્ક ટાઇમ્સનો અહેવાલ
– BAPS સંસ્થાનો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે નિકટનો ઘરોબો હોવાનો પણ અહેવાલમાં ઉલ્લેખ
શ્રી બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) દ્વારા અમેરિકાના ન્યૂજર્સી રાજ્યમાં રોબિન્સવિલે ખાતે બનાવવામાં આવી રહેલા જાજરમાન મંદિરમાં મોટો વિવાદ સર્જાયો છે.ભારતથી સેવાના નામે લલચાવીને આ મંદિર નિર્માણ માટે લઈ જવાયેલા શ્રમિકોને ત્યાં કલાકના 1 ડોલરનું (આશરે રૂ. 75) મહેનતાણું ચૂકવવા ઉપરાંત તેમના પાસપોર્ટ જપ્ત કરીને તેમને મંદિર સંકુલના ચોક્કસ વિસ્તારમાં જ ગોંધી રાખવાની સ્થાનિક કોર્ટમાં ફરિયાદ થયાનું ન્યૂયોર્ક ટાઈમ્સ દૈનિકના એક અહેવાલમાં જણાવાયું છે. આને પગલે અમેરિકાની ટોચની તપાસ એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનની (FBI) ટીમે મંગળવારે રોબિન્સવિલે સ્થિત BAPSના નિર્માણાધીન મંદિર સંકુલમાં દરોડો પણ પાડ્યો હતો.એટલું જ નહીં, હવે આ અંગેની તપાસમાં અમેરિકાની પ્રતિષ્ઠિત હોમલેન્ડ સિક્યોરિટી અને લેબર ડિપાર્ટમેન્ટે પણ ઝુકાવ્યું છે.
ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, શોષણનો કથિત ભોગ બનેલા કામદારોના વકીલે કોર્ટ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે ભારતના શાસક પક્ષ સાથે અત્યંત નિકટનો ઘરોબો ધરાવતી BAPS સંસ્થાએ વર્ષોથી ચાલી રહેલા મંદિર નિર્માણકાર્યમાં સેંકડો દલિત શ્રમિકોનું શોષણ કહ્યું છે. ભારતમાંથી સારી નોકરીની લાલચે આ કામદારોને અમેરિકા લાવીને ન્યૂજર્સીના રોબિન્સવિલે ખાતેના મંદિરમાં ગોંધી રખાયા હતા.તેમને ના તો કામના નિશ્ચિત કલાકો હતા કે ના પૂરતો આરામ અપાતો.
ફરિયાદીએ જણાવ્યું હતું કે આ શ્રમિકોને પહેલા તો ધાર્મિક વિઝાની R-1 કેટેગરી હેઠળ ધર્મપ્રચારક તરીકે અમેરિકા લાવવામાં આવ્યા હતા અને અમેરિકન સરકાર સમક્ષ તેમને સ્વયંસેવક તરીકે પ્રસ્તુત કરાયા હતા.તેમની પર અંગ્રેજી ભાષામાં હોય તેવા સંખ્યાબંધ દસ્તાવેજો પર સહી કરાવાઈ હતી અને યુએસ એમ્બેસીમાં સ્ટાફ સામે તેમને પોતાની જાતને કુશળ શિલ્પી અથવા ચિત્રકાર તરીકે ઓળખ આપવા શિખવાડ્યું હતું,પરંતુ અમેરિકા લાવ્યા બાદ મંદિરની સાઈટ પર તેમની પાસે ઢોરની જેમ દિવસના 13-13 કલાક કામ કરાવાતું. આ શ્રમિકો પાસે પથ્થરો ઉપાડાવાતા,ક્રેન તથા હેવી મશીનરી ઓપરેટ કરાવાતી હતી અને ખાડા ખોદાવાતા હતા.આ બધા માટે તેમને મહિને 450 ડોલર જ (આશરે રૂ. 33,750) ચૂકવાતા,જેમાંથી 50 ડોલર તેમને રોકડેથી અપાતા અને બાકીના ભારતના ખાતામાં જમા કરાવાતા હતા.
જોકે આ આક્ષેપોને નકારતા BAPSના ચીફ એક્ઝિક્યુટિવ કનુ પટેલે ન્યૂયોર્ક ટાઈમ્સને જણાવ્યું હતું કે વેતન શોષણના આ દાવાને હું આદરપૂર્વક નકારું છું.આમેય હું આ સાઈટ ખાતે દૈનિક કામગીરીનો ઈન્ચાર્જ નથી. જ્યારે BAPSના પ્રવક્તા લેનિન જોશીએ કહ્યું હતું કે આ શ્રમિકો ભારતમાં કોતરણી કરાયેલા પથ્થરોને જોડવાની જટિલ કામગીરી કરતા હોવાથી તેમને વિઝા માટે આ લાયકાત માટે ક્વોલિફાય કરાયા હતા.આ આક્ષેપોથી અમને પણ આઘાત લાગ્યો છે અને મને વિશ્વાસ છે કે બધી તપાસ થશે અને હકીકત બહાર આવશે એટલે ખ્યાલ આવશે કે આ આક્ષેપોમાં કેટલું તથ્ય છે.
FBI, હોમલેન્ડ સિક્યોરિટી અને લેબર ડિપાર્ટમેન્ટની ટીમે સંયુક્ત દરોડા પાડ્યા
મંગળવારે રોબિન્સવિલે સ્થિત નિર્માણાધીન BAPS મંદિર સાઈટ પર FBI ઉપરાંત હોમલેન્ડ સિક્યોરિટી અને લેબર ડિપાર્ટમેન્ટની ટીમે સંયુક્ત રીતે દરોડા પાડ્યા હતા, એમ આ મામલા સાથે સંકલિત ત્રણ વ્યક્તિએ જણાવ્યું હતું. FBIના પ્રવક્તાએ પુષ્ટિ કરી હતી કે તેમના એજન્ટો મંદિરની સાઈટ પર ગયા હતા. જોકે તેમણે બીજું કાંઈ કહ્યું નહોતું.જોકે ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ આ સાઈટ પરથી આશરે 90 કામદારોને દૂર કરાયા હતા.
શ્રમિકોની કોર્ટ ફરિયાદમાં જણાવાયું હતું કે રોબિન્સવિલે મંદિર સાઈટે પહોંચતાં જ તે બધાના પાસપોર્ટ જપ્ત કરી લેવાયા હતા.મંદિરના કોન્ટ્રેક્ટરે તેમને તારબંધીવાળા એક સ્થળે ગોંધી રાખ્યા હતા અને તેમને બહાર જવાની પણ મનાઈ ફરમાવાઈ હતી. તેમને સાત્ત્વિક આહારના નામે ફક્ત બાફેલા બટાકા અને કોબીજના શાક પર જ રખાતા હતા અને સાવ મામૂલી ભૂલ બદલ તેમના પગાર કાપી લેવાતા હતા. તેઓ અહીં આવ્યા એ પહેલાં તેમને હતું કે અમેરિકામાં તેમને સારી નોકરી મળશે અને અહીં ફરવા મળશે, પરંતુ તેમની સાથે તો સાવ પશુ અથવા મશીન જેવો વ્યવહાર કરાયો હતો,એમ ન્યૂજર્સીનાં જાણીતાં ઈમિગ્રેશન એટર્ની સ્વાતિ સાવંતે ન્યૂયોર્ક ટાઈમ્સને જણાવ્યું હતું.
તે 2014માં ખૂલ્યું હતું, પરંતુ હજી નિર્માણાધીન છે, કારણ કે બીએપીએસએ દેશના સૌથી મોટા હિન્દુ મંદિર બનાવવાના પોતાના લક્ષ્યને પૂર્ણ કરવાનો પ્રયાસ કર્યો છે.પ્રિંસ્ટન નજીક આવેલા આ મંદિરમાં આખા પ્રદેશમાંથી અનુયાયીઓ આવે છે.લગભગ 400,000 ભારતીય મૂળના રહેવાસીઓ સાથે, ન્યૂજર્સી દેશના સૌથી મોટા ભારતીય વસાહતીઓમાંનું એક છે.
સંગઠનને પીએમ મોદી સાથે મજબૂત સંબંધો
સંગઠનના નરેન્દ્ર મોદી,ભારતના વડા પ્રધાન અને તેમની શાસક ભારતીય જનતા પાર્ટી સાથે મજબૂત સંબંધો છે. મોદીએ કહ્યું હતું કે 2016માં અમેરિકાના સૌથી મોટા હિન્દુ સંપ્રદાયમાં બીએપીએસ બનાવનાર આધ્યાત્મિક વડા, પ્રમુખસ્વામી મહારાજ તેમના માર્ગદર્શક હતા.મોદીએ તેમના અંતિમસંસ્કાર સમયે પ્રશંસા કરી હતી અને અબુ ધાબીમાં બીએપીએસ જે મંદિરનું નિર્માણ કરી રહ્યું છે એનો શિલાન્યાસ કર્યો હતો.
2017માં ઓન-સાઈટ અકસ્માતમાં સગીરનું મોત થયું હતું
આ મંદિર અગાઉ પણ અધિકારીઓના ધ્યાન પર આવ્યું છે. 2017માં એક 17 વર્ષીય છોકરો જે ધાર્મિક સ્વયંસેવકોનાં જૂથોમાં હતો, જેણે બાંધકામ પ્રોજેક્ટમાં મદદ કરી હતી, તે ઓન-સાઈટ અકસ્માતમાં મૃત્યુ પામ્યો.તેના પરિવારે બીએપીએસ વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો, આ કેસ અનડિસક્લોઝડ અમાઉન્ટ સાથે સેટલ કરાયો હતો. સેફ્ટિ ઇન્સ્પેકટરે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે આ એક અકસ્માત હતો.