વોશિંગ્ટન, તા. ૧૬ : અમેરિકામાં પેન્સિલવેનિયા યુનિવર્સિટીના એક મહિલા પ્રોફેસર એમી વેક્સે ભારતીય મૂળના અમેરિકનો અને બ્રાહ્મણો અંગે ઉશ્કેરણીજનક ટીપ્પણી કરતાં યુએસમાં હોબાળો સર્જાયો છે.યુએસ સાંસદ રાજા કૃષ્ણમૂર્તિ સહિત ભારતીય મૂળના અમેરિકનોએ એમી વેક્સની ઝાટકણી કાઢી છે.ફોક્સ ન્યૂઝના ‘ટકર કાર્લસન ટુડે’ કાર્યક્રમ દરમિયાન એક તાજેતરના ઈન્ટરવ્યૂમાં પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરાવતા પ્રોફેસર એમી વેક્સે અમેરિકાના ટીકાકારો વિરુદ્ધ અનેક ઉશ્કેરણીજનક નિવેદનો કર્યા હતા.વેક્સે કહ્યું કે, પશ્ચિમી દેશોના લોકોના યોગદાન માટે પશ્ચિમી લોકો વિરુદ્ધ બિન-પશ્ચિમી લોકોની નારાજગી શરમજનક બાબત છે.એશિયન અને દક્ષિણ એશિયન ભારતીય ડૉક્ટરોની ટીકા કરતાં તેમણે કહ્યું કે, આ લોકો જાતિવાદ વિરોધી પહેલ કરવા માટે અહીં આવે છે.વેક્સે વિશેષરૂપે બ્રાહ્મણ મહિલાઓને નિશાન બનાવી હતી.એમી વેક્સ અગાઉ પણ ભારત, ભારતીયો અને ભારતીય મૂળના અમેરિકનો વિરુદ્ધ નિવેદનો કરવા માટે કુખ્યાત છે.એમી વેક્સના નિવેદનની ટીકા કરતાં અમેરિકન સાંસદ કૃષ્ણમૂર્તિએ કહ્યું કે,ટ્રમ્પે પ્રમુખપદ ગુમાવ્યા પછી મને લાગતું હતું કે અમેરિકામાં અન્ય લોકો અંગે અભદ્ર ટીપ્પણીઓ કરવાનો સમય જતો રહ્યો છે,પરંતુ વેક્સનું નિવેદન જોતાં તેમ લાગતું નથી.આવા નિવેદનો ધિક્કાર અને ભયના પગલે આવે છે અને તે દેશમાં લઘુમતી સમાજ માટે ખરેખર નુકસાનજનક છે.ભારતીય મૂળના અમેરિકન અને કાયદાના પ્રોફેસર નિલ મખિજાએ પણ વેક્સની ટીકા કરતા કહ્યું કે,ભારતીય અમેરિકનો અને બધા જ બિન ગોરા લોકો વિરુદ્ધનું નિવેદન તેમની વિશ્વસનિયતા સામે સવાલ ઊભા કરે છે.


