વોશિંગ્ટન, તા.4 : અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટેની મત ગણતરી ચાલી રહી છે.હાલના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીના હરિફ ઉમેદવાર જો બિડન વચ્ચે ભારે રસાકસી જોવા મળી રહી છે.
જો કે અમેરિકાના મુસ્લિમ મતદારોની વાત કરવામાં આવે તો આ વખતની ચૂંટણીમાં તેમનો ઝુકાવ બિડેન તરફ રહ્યો હોવાનુ તારણ અમેરિકાના એક મુસ્લિમ નાગરિક અધિકાર જૂથે કરાવેલા સર્વેક્ષણમાં બહાર આવ્યુ છે.આ વખતે અમેરિકાના 69 ટકા મુસ્લિમોએ બિડેન અને 17 ટકાએ ટ્રમ્પને મત આપ્યા છે.
ધ કાઉન્સિલ ઓન અમેરિકન ઈસ્લામિક રિલેશન દ્વારા કરવામાં આવેલા એક્ઝિટ પોલમાં 844 મુસ્લિમ પરિવારોને સમાલે કરવામાં આવ્યા હતા.જેમાં ખબર પડી હતી કે, 84 ટકા મુસ્લિમોએ મતદાન કર્યુ હતુ અને આ પૈકી 69 ટકાએ બિડન અને 17 ટકાએ ટ્રમ્પના પક્ષમાં મત આપ્યા છે.
આ વખતે 10 લાખ અમેરિકન મુસ્લિમ મતદારોએ મતદાન કર્યુ છે.ઉલ્લેખનીય છે કે,ગત ચૂંટણીમાં ટ્રમ્પને 13 ટકા મુસ્લિમ મત મળ્યા હતા.આ વખતે તેમને ચાર ટકા વધુ મત મળવાની શક્યતા છે.અમેરિકામાં મુસ્લિમોની વસતી 34 લાખ છે.જે કુલ વસતીના 1.1 ટકા છે.


