ન્યૂયોર્ક, તા. 29 એપ્રિલ 2020, બુધવાર
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે મીટ પ્રોસેસિંગ પ્લાન્ટ્સને ખોલવાની મંજૂરી આપી દીધી હતી.કોરોનાના પ્રકોપને લઈ ચિંતાઓ વચ્ચે દેશમાં ખાદ્ય પુરવઠાનું રક્ષણ કરવા માટે ટ્રમ્પે આ આદેશ જાહેર કર્યો હતો. તેમણે સંરક્ષણ ઉત્પાદન અધિનિયમનો ઉપયોગ કરીને ભોજનની તંગી અને પુરવઠા સાંકળમાં અનુભવાઈ રહેલી અડચણોને ધ્યાનમાં રાખીને પ્લાન્ટ્સ કામ કરવાનું ચાલુ રાખે તેવો કારોબારી આદેશ જાહેર કર્યો હતો. ટ્રમ્પનો આ આદેશ કંપનીઓ અને ત્યાં કામ કરતા કર્મચારીઓને સંરક્ષણનો ભરોસો અપાવે છે.
આદેશમાં જણાવ્યું હતું કે, ફક્ત એક મોટા બીફ પ્રોસેસિંગ પ્લાન્ટને બંધ કરવાથી એક દિવસમાં આશરે 10 મિલિયન એટલે કે એક કરોડ લોકો માટેના બીફની તંગી થઈ શકે છે.સ્મિથફીલ્ડ ફુડ્સ ઈન્ક,કારગિલ ઈન્ક,જેબીએસ યુએસએ અને ટાયસન સહિત વિશ્વની અનેક વિશાળ માંસ કંપનીઓએ કામદારો બીમાર પડ્યા બાદ ઉત્તરી અમેરિકામાં આશરે 20 જેટલા કતલખાના અને પ્રોસેસિંગ યુનિટમાં કામ અટકાવી દીધું છે જેથી મીટની તંગી સર્જાવાની શક્યતા છે.
જો કે, યુનિયન ટ્રમ્પના આ નિર્ણયથી પ્રભાવિત નથી થયા.કેટલાક ખેડૂતોના કહેવા પ્રમાણે હવે ઘણું મોડું થઈ ગયું છે કારણ કે, ડુક્કરોને બજારમાં મોકલતા પહેલા તેમને મારી દેવામાં આવ્યા હતા.અમેરિકી કૃષિ વિભાગના અહેવાલ પ્રમાણે અમેરિકી માંસ કંપનીઓએ મંગળવારે આશરે 2,83,000 ડુક્કરો કાપ્યા જે મહામારીના કારણે પ્લાન્ટ બંધ થયો તેના પહેલાની સરખામણીએ 43 ટકા ઓછા છે. જ્યારે પ્રોસેસર્સે પહેલાની સરખામણીએ 38 ટકા ઓછા કુલ 76,000 ઢોર કાપ્યા હતા.
ટીકાકારોના કહેવા પ્રમાણે જ્યારે મીટ અને ફુડ પ્રોસેસિંગના 6,500થી વધારે શ્રમિકોમાં કોરોના વાયરસનું સંક્રમણ નોંધાયું અને તે પૈકીના 20નું મોત થયું ત્યારે કતલખાનાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા.