ન્યુયોર્ક : તા.૨૬, અગાઉ પણ જેના ઉપર હેલ્થકેર કૌભાંડનું તહોમતનામું મૂકાઈ ચૂકયું છે એવા ભારતીય મૂળના ૫૭ વર્ષીય આંખના ડોકટર ઉપર અમેરિકાની પોલીસે ખોટી રીતે સરકારની ગેરેન્ટીવાળી ૬.૩૦ લાખ ડોલરની લોન લીધાનો ગંભીર આરોપ મૂકયો હતો. આ ડોકટર હાલ અગાઉના કેસમાં પ્રયોગના ધોરણે અર્થાત જામીન ઉપર જેલમાંથી બહાર આવ્યો હતો.
સરકારે કોવિડ-૧૯ની મહામારીમાં આર્થિક ભીંસ અનુભવતા નાના વેપારીઓ અને ધંધાર્થીઓને મદદ કરવાના આશયથી લોન આપવાની યોજના જાહેર કરી હતી જેમાં સરકાર પોતે ગેરેન્ટરની ભૂમિકા ભજવવાની હતી.
ન્યૂયોકના રે વિસ્તારના ૫૭ વર્ષીય અમિત ગોયલ ઉપર નવેમ્બર-૨૦૧૯માં હેલ્થકેરના કિસ્સાઓમાં ખોટી જુબાની આપવાનો, કૌભાંડ આચરીને ઓનલાઈન પોતાના બેંક એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરી લેવાનો અને હેલ્થકેરના અન્ય કિસ્સાઓમાં કૌભાંડ આચરવાનો આરોપ મૂકાયેલો હતો અને હાલ તે જામીન ઉપર બહાર ફરતો હતો. દક્ષિણ ન્યૂયોર્ક વિસ્તારના કાર્યકારી એટર્ની ઓડ્ધી સ્ટ્રોસે બુધવારે જાહેર કર્યું હતું કે, અમિત ગોયલ ઉપર કોવિડ-૧૯ સંબંધિત સરકારી ગેરેન્ટીવાળી લોન લેવાનો આરોપ મૂકવામાં આવે છે, કેમ કે તે વાસ્તવમાં આ લોન લેવાની પાત્રતા ધરાવતો નથી, કેમ કે તેની સામે હાલ અગાઉનો ક્રિમિનલ કેસ ચાલુ છે. આ કેસની વધુ સુનાવણી ર૬ જૂનના રોજ રાખવામાં આવી છે ત્યારે તેને ફરીથી કોર્ટમાં હાજર કરવામાં આવશે એમ એટર્નીએ કહ્યું હતું.


