લખનૌ : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારે કહ્યું હતું કે અયોધ્યામાં રામમંદિર નિર્માણ પછી કાશી શહેર જાગી ગયું છે અને એ જ રીતે મથુરા,વૃંદાવન,વિંધ્યવાસિની ધામ અને નૈમિશ ધામ જાગી ગયા છે તેમ લાગે છે.યોગીએ લખનૌમાં ભાજપની એક દિવસની રાજ્ય કારોબારીની બેઠકમાં કહ્યું હતું કે રાજ્યમાં કોઈ જ કોમી રમખાણ થયા નથી અને કહ્યું હતું કે રાજ્યમાં પહેલી વાર ઈદ પહેલાં શુક્રવારની નમાઝ રોડ પર થઈ નથી.તેમણે કાશી વિશ્વનાથ મંદિર કોરિડોરના ઉદઘાટનનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે આજે દરરોજ એક લાખ શ્રદ્ધાળુઓ કાશી દર્શનાર્થે આવે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને અનુરૂપ કાશીનું મહત્વ વધ્યું છે.
આદિત્યનાથે કહ્યું હતું કે “રામનવમી અને હનુમાન જન્મોત્સવ શાંતિપૂર્વક ઉજવાયા.રાજ્યમાં પહેલી વાર ઈદ પહેલાની શુક્રવારની નમાઝ રોડ પર થઈ નથી.નમાઝ માટે મસ્જિદ છે જ્યાં તેઓ ધાર્મિક કાર્યક્રમો કરી શકે છે.”ધાર્મિક સ્થળો પરથી લાઉડસ્પીકર હટાવવાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે“તમે જોયું હશે કે બિનજરૂરી ઘોંઘાટથી મુક્તિ મળી છે.”ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પછી ભાજપની આ સૌપ્રથમ કારોબારી હતી જેમાં તેમણે કાર્યકરોને 2024ની લોકસભા ચૂંટણી માટે તૈયારી શરૂ કરી દેવા અને 80માંથી 75 સીટ જીતવાના ટારગેટ સાથે આગળ વધવાની અપીલ કરી હતી.ઉલ્લેખનીય છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 62 સીટ મળી હતી.કાશી વિશ્વનાથ મંદિર કોરિડોરનો ઉલ્લખ કરીને તેમણે કહ્યું કે“અયોધ્યામાં ભવ્ય રામમંદિર નિર્માણ શરૂ થયા પછી કાશી પણ જાગી રહ્યું છે.આ સંજોગમાં આપણે સૌએ ફરી એકવાર આગળ વધવું પડશે.”

