અમદાવાદ : બુધવાર : દેશના અર્થતંત્રને ૫ લાખ કરોડનું કરવા માટે કેમિકલ ઉદ્યોગના નવા પ્રોજેક્ટ્સને મંજૂરી મેળવામાં એટલે કે એન્વાયર્નમેન્ટ ક્લિયરન્સ આપવામાં ૧૮થી ૨૪ મહિના લગાડવામાં આવે છે તે સમયગાળો ઘટાડીને ૬ મહિનાથી ઓછો કરી આપવાની માગણી આજે ગુજરાતન કેમિકલ ઉદ્યોગે ગુજરાત ચેમ્બરમાં કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા સાથે થયેલી ચર્ચા દરમિયાન માગણી કરી હતી.તેની સાથે જ દરિયામા ંદૂષિત પાણી છોડવા માટેની પાઈપ લાઈન નાખવાની મંજૂર થેયેલી યોજનાના અમલીકરણને ઝડપી બનાવવાની પણ તેમણે માગણી કરી હતી.
ડીપ દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડની ઊંચાઈ લજવા માટે કેન્દ્ર સરકારે તો સૌથી પહેલા ડીપ સી ડિસ્ચાર્જની વરસોથી અપાયેલી મંજૂરીનો અમલ ચાલુ કરવો જોઈએ.૩૧મી માર્ચ ૨૦૨૧ના યોજાયેલી બેઠકમાં ડીપ સી(ઊંડા દરિયામાં પાણી છોડવાની)ડિસ્ચાર્જની દરખાસ્ત મંજૂર થઈ ગયેલી છે.આ પાઈપલાઈન બિછાવવાથી અમદાવાદ,વડોદરા વિસ્તારના કેમિકલ ઉદ્યોગોને ખાસ્સી રાહત થઈ જશે,એમ ગુજરાત ડાયસ્ટફ મેન્યુફેક્ચરિંગ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ યોગેશ પરીખે જણાવ્યું હતું.એન્વાયર્નમેન્ટ ક્લિયરન્સની સમસ્યા હળવી કરવી જોઈએ.કેમેક્સિલના પ્રમુખ ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે ગુજરાતના કેમિકલ ઉદ્યોગની દરેક વસાહતોના પાણીના નિકાલ માટે દરિયાઈ પાઈપલાઈન નાખવા માટે આર્થિક સહાય સાથેની પાઈપલાઈન બિછાવવાની યોજના તૈયાર કરી લાવશે તો ઉદ્યોગની સમસ્યા હળવી થશે અને વેગ મળશે.દૂષિત પાણીમાંના સીઓડીનું લેવલ ૫૦૦થી ઘટાડીને ૨૫૦ લાવવા માટે લિટરે ૫૦ પૈસાથી માંડીને ૧.૨૫ રૃપિયા સુધીનો ખર્ચ આવે છે.તેનાથી ઉદ્યોગનો ઉત્પાદન ખર્ચ ખાસ્સો વધી જાય છે.દરિયાઈ પાઈપ લાઈન આવી જાય તો સી માટેના અલગ નોર્મ્સ પ્રમાણે નિકાલ કરી શકાશે.
કેમિકલના દરેક એકમના પાણી કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગયા પછી જ બહાર જતાં હોવાથી ટીડીએસના ધોરણો ૨૫૦થી વધારીને ગુજરાત હાઈકોર્ટના ૧૯૯૫ના ઓર્ડર પ્રમાણે ૭૭૦ કરી આપવા જોઈએ.હાઈકોર્ટે સૂચવેલી વ્યવસ્થાનો અમલકરવા માટે હજી સુધી કોઈ જ નક્કર પગલાં લેવાયા નથી.પર્યાવરણ પર અસર ન પડતી હોય કે વધારાનું પ્રદુષણ ન જ થતું હોય તો ચેન્જ ઓફ પ્રોડક્ટની મંજૂરી લેવાની પ્રથા જ કાઢી નાખવી જોઈએ.આ મંજૂરી મળતા છથી બાર મહિના લાગી જાય છે તે ઉદ્યોગના વિકાસમાં અવરોધ પેદા કરે છે.
બીજું,એન્વાયર્નમેન્ટ ક્લિયરન્સની સમસ્યાનો ઉકેલ લાવવા માટે ગુજરાત અને કેન્દ્રના પ્રદુષણ બોર્ના અધિકારીઓ સાથે મિટિંગ યોજીને તત્કાળ તેનું નિરાકરણ લાવવું જોઈએ.તેવી જ જોખમી ઘનકચરાનો નિકાલ કરવા માટે જીઆઈડીસીથી ૧૦૦ કિલોમીટરના પરિસરમાં નવી સાઈટ ઊભી કરવા દેવા માટેની છૂટ આપવી જોઈએ.અમદાવાદ અને ગુજરાતના અન્ય વિસ્તારના એકમોને તેમનો જોખમી ઘનકચરો છેક કચ્છ કે ભરૃચ મોકલવો પડી રહ્યો છે.બીજું ખાનગી ધોરણે ટીએસડીએફ સાઈટ ચલાવનારાઓ ત્રણથી ચાર ગણા ચાર્જ વસૂલે છે.તેમાં પણ રાહત મળવી જોઈએ.નરોડા અને વટવામાં ટીએસડીએફ સાઈટ હતી,પરંતુ રહેઠાણ માટેના મકાનો બાંધવાનું શરૃ થઈ જતાં તે બંધ કરવામાં આવી છે.


