રાજકોટ,તા. 12 એપ્રિલ 2023, બુધવાર : તાજેતરમાં કૃતિ ઓનેલાના બિલ્ડર જેરામભાઈ કુંડારીયાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.આ મામલે હવે નવો વળાંક આવ્યો છે.જેમાં તેમની 3 પાનાની સ્યુસાઈડ નોટ વાયરલ થઈ છે.સ્યુસાઈડ નોટમાં મોરબી ભાજપના ધારાસભ્ય કાંતીલાલ અમૃતિયા સામે આક્ષેપો કરવામાં આવ્યા છે.જો કે સ્યુસાઈડ નોટ ખરેખર જેરામભાઈ કુંડારીયાની છે કે કેમ ? તેની કોઈ હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી.પરંતુ પોલીસે સ્યુસાઈડ નોટ અંગે તપાસ હાથ ધરી છે.આ પહેલા યુનિવર્સીટી પોલીસે રાકેશ નથવાણી નામે એક આરોપીની ધરપકડ પણ કરી હતી.
જાણવા મળતી વિગત મુજબ જાણીતા બિલ્ડર 70 વર્ષીય જેરામભાઈ કુંડારીયા દ્વારા આપઘાતના પ્રયાસની ઘટનાના પાંચ દિવસ બાદ એક કથિત ત્રણ પાનાની સ્યૂસાઈડ નોટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ છે.કથિત સ્યૂસાઈડ નોટમાં કૃતિ ઓનેલાના બિલ્ડર-ભાગીદાર જેરામભાઈએ ભાજપના મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને વસંત તુરખીયા સહિત 9 લોકો સામે આર્થિક વ્યવહારો અને વ્યાજખોરીના આરોપ લગાવ્યા છે.રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે પાંચ દિવસ અગાઉ એફઆઈઆર નોંધવામાં આવી છે.પોલીસ ફરિયાદમાં ઠાકરશી દિલીપભાઈ પટેલ અને રાકેશ નથવાણી સામે વ્યાજખોરી અને બળજબરીથી વસૂલાત કરવાના આરોપ લાગ્યા છે.જ્યારે ધોલેરાની જમીનના વિવાદ માં અનીશ ચારોલા,ગીરીશ ચારોલા,જયંત અજમેરા અને એચ.જી. કુનડીયાનો ઉલ્લેખ કરાયો છે.
વાયરલ થયેલી સ્યુસાઈડ નોટમાં ધારાસભ્ય અમૃતિયા સંદર્ભે લખાયેલું છે કે ઉમા ટાઉનશીપ મોરબી ખાતે 12 વર્ષ પહેલા ભાગીદારીમાં જોડાયા હતા.જો કે અમારો હિસ્સો સમયસર થયો નથી.ચીરીપાલ ગૃપ તરફથી દસ્તાવેજો નથી કરી દેવાતા તેવા બહાના બતાવાઈ રહ્યા છે.જેટલો હિસ્સો આપ્યો છે તેના દસ્તાવેજના ચેકના રૂપીયા પાછા મળતા ન હતા.વર્ષો પછી પૈસાને બદલે ન વેંચાયેલા ફલેટ આપવામાં આવે છે.વ્યાજે રૂપીયા લઈ રોકાણ કર્યું હતું. જેથી મોટું આર્થિક નુકસાન થયું છે.હજુ પણ 6500 ફુટ જમીન મારા ભાગની લેવાની નિકળે છે.જે મળતી નથી. 12 વર્ષ પહેલા નવ બંગલા ભાગીદારીમાં બનાવ્યા હતા.જેમાં મારો ભાગ 16% છે.જેની જમીનનો દસ્તાવેજ પણ કરી દેતા નથી.બંગલા પણ વણ વેંચાયેલા પડયા છે.તેમાં નુકસાની ભોગવવી પડે તેમ છે.
મોરબીના ટી.ડી.પટેલ વિશે લખ્યું છે કે 12 વર્ષ પહેલા 2.40 કરોડ કંપનીમાં લીધા હતા.જેની જવાબદારી મારી હતી.અત્યાર સુધીમાં 24 કરોડ ચુકવી દીધા છે.તેની સામે પેઢી અને વ્યકિતગત રીતે ચેક આપ્યા છે.સિકયુરીટી પેટે જમીનનો હિસ્સો લખાવી લીધો છે.હજુ પણ બાકીના વ્યાજ પેટેના 1.50 કરોડનો ઉઘરાણી કરી ધમકી આપે છે.વી.ટી.તુરખીયા સાથે છેલ્લા 10 વર્ષથી પૈસાની લેતી દેતીનો હિસાબ છે.તેમને પણ મુદલ કરતા વધારે વ્યાજ પેટે ચુકવી દીધા છે.અમદાવાદ ખાતેની જમીનનો દસ્તાવેજ એચ.એસ.પટેલે નામે કરાવી લીધો છે.હજુ બાકીના રૂપીયાની ઉઘરાણી કરી કૃતિ ઓનેલામાંથી હિસ્સો લેવા દબાણ કરે છે.ભાગીદારો અને સમાજમાં મારી આબરૂ ઓછી કરવાનું ષડયંત્ર કર્યા કરે છે.જીવવું ખુબ મુશ્કેલ છે.
વધુમાં લખ્યું છે કે, અમદાવાદના રીટાયર્ડ ડીવાયએસપી એચ.એમ.કુંડારીયા અનિશ ચારોલાના મામા છે.તેઓની સાથે ભાગીદારી છે. 12 વર્ષ અગાઉ ધોલેરા ખાતે સયંકત ભાગીદારીમાં જમીન લીધી હતી.જેમાં તેમનો હિસ્સો 5 ટકા હતો.પરંતુ તેમના ખાતે 12.5 વીઘા જમીન સતિષના ખાતે છે.અમુક જમીન વેંચીને તેના ભાગે આવતા રૂપીયા આપી દીધા છે.પરંતુ તેમની પાસે 8.5 વીઘા જમીન છે.જમીનના ભાવ વધી જતા દસ્તાવેજ કરવાની ના પાડે છે.જમીનની કિંમત હાલમાં અંદાજે દોઢ-બે કરોડ છે.બીજા ભાગીદારો આ જમીનનો દસ્તાવેજ કરવા મારા પર દબાણ કરે છે.અનિશ અને તેના પિતા ગીરીશ ચારોલા આખા ગામમાં મને બદનામ કરે છે.
રાજકોટના જયંત અજમેરા સંદર્ભે લખ્યું છે કે જે તે વખતે ધોલેરામાં ભાગીદાર હતા.ખેડુત ખાતેદાર ન હોવાથી દસ્તાવેજ બીજાના નામે કરાવ્યો હતો.છેલ્લા 12 વર્ષથી પોતાના નામે દસ્તાવેજ કરાવ્યો નથી.પરંતુ હવે ભાવ વધતા જે મારા નામે જમીન છે તેમાંથી પોતાને દસ્તાવેજ કરાવી આપવા દબાણ કરે છે.એચ.જી.કુનડીયા સંદર્ભે લખ્યું છે કે ધોલેરામાં ભાગીદાર છે.જમીનમાં તેમનો હિસ્સો 3 ટકા છે.જે તે સમયે મુડીમાં 20 વીઘા જમીનનો દસ્તાવેજ તેમના નામે કર્યો હતો.પરંતુ હાલ જમીનની કિંમત વધી જતા દસ્તાવેજ કરી દેવા બાબતે બહાના બતાવી રહ્યા છે.વાસ્તવમાં તેઓના ભાગે 20 વીઘામાંથી અઢી-ત્રણ વીઘા આવે છે.પરંતુ દાનત બગડવાથી ખોટા બહાના બતાવીને દસ્તાવેજ કરી આપતા નથી.બાકીના ભાગીદારો પણ મારી ઉપર દબાણ કરે છે.
જોકે આ સ્યુસાઈડ નોટ બાબતે પોલીસ અજાણ છે.આ અંગે ડીસીપી સુધીરકુમાર દેસાઈએ જણાવ્યું હતું કે, જે તે વખતે જેરામભાઈએ વ્યાજખોરીની ફરિયાદમાં કુલ બે જ આરોપીના નામ આપ્યા હતા.જેમાંથી રાકેશ નથવાણી નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે.હાલ જે સ્યુસાઈડ નોટ સોસીયલ મીડિયામાં વાયરલ થઇ છે તે હજુ સુધી પોલીસને મળી નથી અને તે બાબતે પોલીસ પાસે કોઈ માહિતી નથી.જોકે જેરામભાઈની વાયરલ થયેલી સ્યુસાઈડ નોટ બાબતે પોલીસે તપાસ શરુ કરી છે.અને જે કોઈપણ આ માટે જવાબદાર હશે તેની સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી પણ તેમણે આપી છે.