ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામે વધુ એક વખત પ્રજા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે સીધા ભાજપને મત આપતી હોવાનું સ્પષ્ટ થયું છે. 2017 કરતા ઘણી અલગ અને વિપરીત સ્થિતિ,અનેક બેઠક પર બળવા,અસંતોષ, નારાજગી અને જોરમાં બોલીને નવા ગતકડાંઓ કરવામાં આમ આદમી પાર્ટીના હાઉ વચ્ચે મતદારોએ ભાજપ સિવાયના તમામ પક્ષોને તળિયે ધકેલી દીધા છે.આ સાથે જ પક્ષમાં બળવા અને વિવાદ કરનારા ભલે કોઈપણ હોય તેઓને તો પ્રજાએ જે રીતે સ્થાન બતાવ્યું છે એ મેસેજ પણ સૌએ સમજવો રહ્યો.
વિધાનસભાની ચૂંટણી જાહેર થઇ તે પૂર્વે 2022ની ચૂંટણી ખુબ રસપ્રદ બનશે તેવો માહોલ ઉભો થયો હતો.ચાલુ ટર્મમાં મુખ્યમંત્રી પદેથી વિજય રુપાણીને ઉતારીને ભાજપે ભૂપેન્દ્ર પટેલની ખુરશી પર બેસાડ્યા હતા.આ સાથે જ ભાજપમાં 2022ની ચૂંટણીમાં પણ મોટા પરિવર્તન દેખાશે તેવું સ્પષ્ટ થવા લાગ્યું હતું.ગુજરાતમાં ડબલ એન્જીન સરકાર અને તેના કામો પર જ ચૂંટણી લડવા ભાજપ તૈયાર થયો હતો. સમગ્ર ચૂંટણીની કમાન વધુ એક વખત વડાપ્રધાને પોતાના હાથમાં લીધી હતી.એક રીતે વન-મેન શોની જેમ ભાજપ આ ચૂંટણી લડ્યો હતો અને તેમાં ફરી નરેન્દ્ર મોદી જ મેન ઓફ ધ મેચ થયા છે.
રાજકોટ,જસદણ,મોરબી,જામનગર,કચ્છ સહિતના જિલ્લાની ઘણી બેઠક પર ઉમેદવારો જાહેર થયા બાદ ભાજપમાં બળવા થયા હતા.અમુક જગ્યાએ નારાજ જૂથે સામુ કામ કર્યું હતું.ઉમેદવારોને પાડી દેવાની ચર્ચા કરતાં નેતાઓના વીડિયો પણ વાઇરલ થતા હતા.પક્ષની અંદર રહીને પક્ષના ઉમેદવારને જ નુકશાન કરવાની પ્રવૃતિ પણ ખુબ થઇ હતી.ખુદ વડાપ્રધાનની સભામાં ખુરશીઓ ખાલી હોવાના વીડિયો પણ ફેરવવામાં આવ્યા હતા.પરંતુ આવી સ્થિતિ અને નેગેટીવ પ્રચારની પ્રજાએ કોઇ નોંધ લીધી ન હોય તેવું લાગ્યુ છે.
ચૂંટણીમાં નીચા મતદાને રાજકીય પક્ષોને ચોક્કસ નિરાશ કર્યા હતા. ભાજપની ચિંતા વધારી હતી પરંતુ ભાજપના કમિટેડ લોકો પક્ષ સાથે રહ્યાનું આજના પરિણામ પરથી લાગ્યુ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચારમાં ગુજરાત-સૌરાષ્ટ્રમાં 30થી વધુ રેલી અને જાહેરસભા કરી હતી. અમદાવાદમાં વિક્રમી રોડ-શો કર્યો હતો.ટૂંકાગાળામાં ભાજપના ગઢ રાજકોટમાં પણ બે સભા કરી હતી.અમુક બેઠકો પર પક્ષને પાડી દેવા પૂરા પ્રયાસ થયા હતા. જ્ઞાતિ અને સમાજના સંમેલનોની હરિફાઈ થઇ હતી.પરંતુ મતદાર રાજાનું મન કોઈ રીતે હલાવી ન શકાયું.જેટલો ભય હતો એટલો ફક્ત બાહ્યરીતે ઊભો કરાયો હોય એવું દેખાઈ રહ્યું છે.ભાજપના બળવા કરતા તો આમ આદમી પાર્ટીના ઉમેદવારોના વોટ શેરીંગની વધુ અસર દેખાય છે.તો ભાજપના વોટ ‘આપ’ દ્વારા કોંગ્રેસને કરાયેલા મનાતા નુકશાનના કારણે કે કમિટમેન્ટના કારણે સલામત રહ્યાનું પણ લાગ્યું છે.
બળવા,નારાજગી,અસંતોષ,પક્ષ વિરોધી પ્રવૃતિ,નવા ઉમેદવારોના પ્રયોગ સહિતના સંજોગો કેટલાક લોકોને થોડો સમય ડરાવી જરૂર ગયો પરંતુ હકીકત એ જ છે કે ભાજપ વિક્રમી જીત મેળવી ગુજરાતમાં વિક્રમી વખત સત્તા મેળવવામાં સફળ રહ્યું.


