– અસદનું ખોટું એન્કાઉન્ટર કરી ભાજપ સરકારનો વાસ્તવિક મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ : અખિલેશ યાદવ
– અખિલેશે કહ્યું, આજના અને તાજેતરના એન્કાઉન્ટરની પણ સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને ગુનેગારોને છોડવામાં ન આવે
લખનઉ, તા.13 એપ્રિલ-2023, ગુરુવાર : ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ગેંગસ્ટર અતિક અહેમદના પુત્ર અસદના એન્કાઉન્ટર પર સવાલ ઉઠાવી ગંભીર આક્ષેપો કર્યા છે.અખિલેશે કહ્યું કે, ખોટા એન્કાઉન્ટરો કરીને ભાજપ સરકાર વાસ્તવિક મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવી રહી છે.
અખિલેશનું ટ્વિટ – ભાજપ કોર્ટમાં વિશ્વાસ જ રાખતી નથી
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ટ્વીટ કરીને જણાવ્યું કે, ભાજપ કોર્ટમાં વિશ્વાસ જ રાખતી નથી.આજના અને તાજેતરના એન્કાઉન્ટરની પણ સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને ગુનેગારોને છોડવામાં ન આવે… સાચું-ખોટું નક્કી કરવાનો અધિકાર સત્તા પાસે નથી હોતો. ભાજપ ભાઈચારાની વિરુદ્ધ છે.
યુપી STF દ્વારા અસદ-ગુલામનું એન્કાઉન્ટર
ઉલ્લેખનિય છે કે, ઉત્તરપ્રદેશની એસટીએફે ઝાંસીના બબીના રોડ પર અતીકના પુત્ર અસદનું એન્કાઉન્ટર કરી નાખ્યું છે.અસદની સાથે ગુલામ મોહમ્મદ શૂટર પણ ઠાર થયો છે.ઉમેશ પાલની હત્યાની ઘનટા બાદથી અસદ અને ગુલામ ફરાર હતા,બંનેના માથે 5-5 લાખનું ઈનામ હતું.
CM યોગીએ STFની કરી પ્રશંસા
ગેંગસ્ટરમાંથી નેતા બનેલો અતીક અહેમદનો પુત્ર અસદ એન્કાઉન્ટરમાં ઠાર થયા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુવારે કાયદો અને વ્યવસ્થા પર એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. CM યોગીએ એન્કાઉન્ટરમાં સામેલ સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ (STF)ની પ્રશંસા કરી હતી.ઉત્તર પ્રદેશના CMOના જણાવ્યા અનુસાર, મુખ્ય સચિવ (ગૃહ) દ્વારા યોગી આદિત્યનાથને એન્કાઉન્ટર અંગે જાણ કરાઈ હતી.