– એક તરફ ભાજપ અને બીજી તરફ ઓવૈસી
કોલકાતા તા.14 ડિસેંબર : હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પશ્ચિમ બંગાળની મુલાકાત લેવાની જાહેરાત કરતાં તૃણમૂલ કોંગ્રેસની છાવણીમાં ખળભળાટ મચી ગયો હતો. ઓવૈસીએ રવિવારે હૈદરાબાદમાં પશ્ચિમ બંગાળની પોતાની શાખાના નેતાઓ અને કાર્યકરો સાથે ચર્ચા કરી હતી.
2021માં પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી છે.અત્યાર સુધી પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી પોતાને મુસ્લિમ લઘુમતીના તારણહાર ગણાવતા હતા. હવે ઓવૈસીની મુલાકાતથી તેમના ટેકેદારોમાં ટેન્શન ફેલાયું હતું.મમતા પર એક તરફ ભાજપની ભીંસ વધી રહી છે અને બીજી બાજુ ઓવૈસી જૂથ હવે દબાણ વધારશે. ઓવૈસી પોતે મુસ્લિમ હોવાથી મુસ્લિમ મતદારો પર સારો પ્રભાવ પાડી શકે એ હકીકત મમતા બરાબર સમજે છે.
પશ્ચિમ બંગાળમાં 27 ટકા મુસ્લિમ વસતિ છે એટલે મુસ્લિમ મતદારો વિધાનસભાની ચૂંટણીમાં સારો પ્રભાવ પાડી શકે એ હકીકત પણ મમતા સમજે છે. ભાજપના નેતાઓ પર હુમલા કરવાનું સરળ હતું.ઓવૈસી પર તૃણમૂલ કોંગ્રેસના માણસો હુમલા કરે તો મુસ્લિમ મતદારો નારાજ થવાની પૂરી શક્યતા હતી.
ઓવૈસીએ મુસ્લિમ વસતિવાળા વિસ્તારોની વિધાનસભા બેઠકો પર ફોકસ કરવાનો નિર્ણય પણ જાહેર કર્યો હતો એટલે સ્વાભાવિક રીતેજ મમતાના મતવિસ્તારો છીનવાઇ જવાની શક્યતા વધુ હતી.એવું પણ બને કે ઓવૈસી અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચેની ખેંચતાણમાં ભાજપ ફાવી જાય.તાજેતરમાં હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં અને બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એવું જ થયું હતું.પશ્ચિમ બંગાળની ચૂંટણી આડે હવે ફક્ત છ મહિના બાકી રહ્યા હતા.


