મુંબઇ : હવામાન ખાતાએ એવી માહિતી આપી હતી કે આજે સતત બીજા દિવસે પણ મુંબઇમાં અસહ્ય ગરમી, બફારો,અકળામણનું વાતાવરણ ઘુમરાયું હતું.છેલ્લા બે દિવસથી બપોરે આકાશમાંથી ઉની ઉની લૂ નો જાણે કે વરસાદ વરસતો હોય તેવો ઉકળતો માહોલ સર્જાયો છે.અસહ્ય ગરમી અને બફારાને કારણે અસંખ્ય મુંબઇગરાં બીમાર પડી ગયાં હોવાના અહેવાલ મળે છે.તબીબોનાં દવાખાનાંમાં ચક્કર આવવાં, માથું દુઃખવું, ઉલટી થવી, આંખોમાં બળતરા થવી, શરીરમાંથી પાણી ઘટી જવું, તાવ આવવો વગેરેના કેસમાં વધારો થયો હોવાના સમાચાર પણ મળે છે.નિષ્ણાત ડોક્ટરોએ સલાહ આપતાં જણાવ્યું હતું કે આવી અસહ્ય ગરમી અને લૂ વાય તેવા માહોલમાં થોડા થોડા સમયે પાણી પીવું, છાશ-લસ્સી સહિત એકાદ શક્તિદાયક પીણું પીવું, માથા પર ટોપી પહેરવી, શક્ય હોય તો ગોગલ્સ પહેરવાં અને હળવાં વસ્ત્રો પહેરવાં વગેરે જેવી સાવચેતી રાખવી જરૃરી છે.
બીજીબાજુ આજે દક્ષિણ કોંકણના રત્નાગિરિ જિલ્લાના દેવરૃખ અને તેની આજુબાજુના પરિસરમાં, પુણે નજીકના ભોર, સાતારા અને મહાબળેશ્વરમાં મેઘગર્જના, વીજળીના કડાકા, તીવ્ર પવન સાથે કમોસમી વર્ષાનું અને કરાનું તોફાન સર્જાયું હોવાના સમાચાર મળે છે.હવામાન ખાતાનાં સિનિયર વિજ્ઞાાની સુષમા નાયરે ગુજરાત સમાચારને એવી માહિતી આપી હતી કે આજે કોલાબામાં દિવસનું તાપમાન ૩૪.૫ અને રાતનું તાપમાન ૨૭.૨ ડિગ્રી જ્યારે સાંતાક્રૂઝમાં દિવસનું તાપમાન ૩૭.૪ અને રાતનું તાપમાન ૨૭.૦ ડિગ્રી સેલ્સિયસ જેટલું હોટ હોટ નોંધાયું હતું.રાતનું તાપમાન આટલું વધુ નોંધાય તેને હવામાનશાસ્ત્રની ભાષામાં વોર્મિંગ નાઇટ(ગરમાટાભરી રાત) કહેવાય છે.આજે કોલાબામાં ભેજનું પ્રમાણ ૭૭-૮૧ ટકા જ્યારે સાંતાક્રૂઝમાં ભેજનું પ્રમાણ ૫૯-૪૨ ટકા જેટલું ઓછું નોંધાયું હતું.મુંબઇમાં આવું હોટ હોટ તાપમાન હજી આવતા ત્રણેક દિવસ સુધી રહે તેવાં કુદરતી પરિબળો છે.સાથોસાથ આવતા ચાર દિવસ(૨૩થી૨૬-એપ્રિલ) દરમિયાન મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, વિદર્ભમાં ગાજવીજ,તીવ્ર પવન સાથે વરસાદી માહોલ સર્જાય તેવો વરતારો પણ હવામાન ખાતાએ આપ્યો છે.
હાલ મધ્ય પ્રદેશથી વિદર્ભ થઇને તેલંગણા સુધીના ગગનમાં ૧.૫ કિલોમીટરના અંતરે સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે હવાના હળવા દબાણનો પટ્ટો સર્જાયો છે.પવનો ઉત્તર-ઇશાન-ઉત્તરના અને વાતાવરણના નીચેના પટ્ટામાં ફૂંકાતા હોવાથી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે.સાથોસાથ આકાશ પણ સ્વચ્છ રહેતું હોવાથી સૂર્યનાં તેજસ્વી કિરણોની અસર પણ વેધક રહે.ઉપરાંત, સમુદ્ર પરથી આવતી લહેરખી બપોરના ૧૨ બાદ જમીન પર આવતી હોવાથી વાતાવરણમાં ગરમી ફેલાઇ જાય છે.આવાં કુદરતી પરિબળોને કારણે મુંબઇમાં હોટ હોટ માહોલ સર્જાયો છે.