મુંબઇ : મહારાષ્ટ્રમાં હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં અનેક વ્યક્તિના જીવ ગુમાવવાની ઘટના સતત વધી રહી છે.મુંબઇ- નાગપુર હાઇવે પર અહમદનગરમાં આજે સવારે કન્ટેનરના ચાલકે રિક્ષા અને બાઇકને અડફેટમાં લેતા ૭ જણ કાળનો કોળીયો બની ગયા હતા.જ્યારે છ જણને ઇજા થઇ હતી.તમામ મૃતક રિક્ષામાં પ્રવાસ કરી રહ્યા હતા. મૃતકમાં કોલેજની બે વિદ્યાર્થિની, ત્રણ મહિલા અને બે પુરુષનો સમાવેશ છે.આ બનાવમાં બાઇક પર જઇ રહેલા યુવાન તેના પુત્ર અને બહેન તથા રિક્ષામાં ત્રણ જણને ઇજા થઇ હતી.તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.અકસ્માત બાદ ઇજાગ્રસ્તને મદદ કરવાને બદલે કન્ટેનરનો ડ્રાઇવર નાસી ગયો હતો.જો કે લોકોએ પીછો કરીને તેને ઝડપી લીધો હતો.અકસ્માતમાં રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
કોપરગાવ શહેર પોલીસે જણાવ્યું હતું કે મુંબઇ-નાગપુર હાઇવે પર ચાંદેકસારે નજીક આજે સવારે અંદાજે ૮.૦૦ વાગ્યે ઓવરટેક કરવાના પ્રયાસમાં કન્ટેનર ચાલકે રિક્ષા અને બાઇકને ટક્કર મારી હતી.અકસ્માતમાં રિક્ષાને ભારે નુકસાન થયું હતું.રિક્ષામાં પ્રવાસ કરતા છ જણનું જગ્યા પર જ મોત નિપજ્યું હતું. જ્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક જણનું મૃત્યુ થયું હતું.આ કમકમાટી ભરી ઘટનામાં કોલેજની બે વિદ્યાર્થિની પૂજા ગાયકવાડ (ઉં.વ.૨૦), પ્રગતિ હોન (ઉં.વ.૨૦), તથા શિવાજી ખરાત (ઉં.વ.૫૨), શૈલા શિવાજી ખરાત, રાજાબાઇ સાહેબરાવ ખરાત (ઉં.વ.૬૦), આત્મારામ નાકાડે (ઉં.વ.૬૫), રૃપાલી સાગર રાઠોડ (ઉં.વ.૪૦)ને કાળભરખી ગયો હતો.
આ ઉપરાંત રિક્ષાના ત્રણ પ્રવાસી વિલાસ ખરાત (ઉં.વ.૩૪), પાંચ વર્ષીય કાવેરી ખરાત, ધુ્રવ સાગર રાઠોડ (ઉં.વ.૧૭) તથા બાઇક પર જઇ રહેલા દિગંબર ચૌધરી તેનો પુત્ર સર્વેશ (ઉં.વ.૧૨), બહેન કૃષ્ણાબાઇને ઇજા થઇ હતી.રાયપુરથી મુંબઇ તરફ આવી રહેલા કન્ટેનરમાં લોખંડના સળીયા હોવાનું જાણવા મળ્યું છે.અકસ્માત પછી પોલીસે લોકોની મદદથી ઘટનાસ્થળેથી નાસી ગયેલા કન્ટેનર ચાલકને પકડયો હતો આ બનાવને કારણે કોપરગાવ તાલુકામાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી.