બારડોલી : બારડોલી નગરપાલિકા દ્વારા સાત કિમી રોડ પર રિફલેકટર, પીળા અને સફેદ પટ્ટાની કામગીરી પેટે કોન્ટ્રાકટરને 58.95 લાખ જેટલી જંગી રકમનું ચૂકવણું કરવામાં આવ્યું હોવાની હકીકત સામે આવી છે.એક વર્ષમાં માત્ર સાત કિમી રસ્તા પર રોડ ફર્નિચર લગાવવા માટે અધધ ખર્ચ થતાં લોકો પણ પાલિકાના ખર્ચા જોઈ અચંબામાં પડી ગયા હતા.જો કે આ મામલે અધિકારીઓ ગોળ ગોળ વાત કરી રહ્યા છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર બારડોલી નગરપાલિકા દ્વારા વર્ષ 2018માં દિક્ષા એન્ટરપ્રાઇઝ નામની એજન્સીને સ્ક્વેર મીટરના ભાવે ટેન્ડર મંજૂર કરી નગરપાલિકા વિસ્તારમાં આવેલા ડામર રોડ પર પીળા અને સફેદ પટ્ટા તેમજ રિફલેકટર લગાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.એ જ એજન્સી દ્વારા વર્ષ 1-4-2020થી અત્યાર સુધીમાં અગાઉના ભાવ મુજબ જ માત્ર સાત કિમી રસ્તા પર પીળા,સફેદ પટ્ટા અને રિફલેકટરની કામગીરી કરવામાં આવી હતી.એક વર્ષમાં સાત કિમી રસ્તા પર કામગીરી કરવા બદલ પાલિકમાં આ એજન્સીએ 58 લાખ 95 હજાર 076 રૂપિયાનું બિલ મૂક્યું હતું અને તે પાલિકાના અધિકારીઓએ મંજૂર પણ કરી દીધું છે.ચૂંટણી પૂર્ણ થતાંની સાથે ગત ટર્મના શાસકો દ્વારા કરવામાં આવેલી ગેરરીતિ ખુલ્લી પડી ગઈ છે.સૂત્રોના જણાવ્યા અનુસાર આ ચૂકવણું પાલિકા દ્વારા અલગ અલગ સાત ચેક મારફતે કરવામાં આવ્યું છે.આટલી મોટી રકમ ચૂકવવામાં આવતા હવે નવા વરાયેલા શાસકો માટે આ પ્રકારના કૌભાંડ ઉપર ધ્યાન આપશે કે પછી તેઓ અધિકારીઓની પાટલીમાં બેસી જઇ નગરજનો માટે સુવિધા દુવિધા વધુ ઊભી કરે તે હવે જોવું રહ્યું.
આટલું મોટું બિલ ચૂકવાયું નથી
આ અંગે બારડોલી નગરપાલિકાના એન્જિનિયર સુમિત ગાંવીતે જણાવ્યુ હતું કે મારી પોસ્ટિંગ ડિસેમ્બરમાં થઈ છે અને ત્યાર બાદ આટલું મોટું બિલ ચૂકવાયું નથી. માત્ર સફેદ પટ્ટા માટેનું એક બિલની ચુકવણી કરી છે.
એક વર્ષમાં સાત કિમી રોડ પર આટલું કામ થયું છે ?
બારડોલી નગરપાલિકા વિસ્તારમાં આવેલા ડામર રોડ પર એક વર્ષમાં સાત કિમી રોડ પર આટલું કામ થયું છે કે કેમ તેની પણ ચકાસણી થવી જરૂરી છે.કેમ કે,બારડોલીના મોટા ભાગના રસ્તાઓ પર સફેદ અને પીળા પટ્ટા નજરે પડતાં નથી તો માત્ર અમુક રસ્તા પર જ રિફલેટકર્સ પણ દેખાય આવે છે.ત્યારે વિપક્ષ પણ આ મુદ્દે કેવું વલણ અપનાવે છે તે જોવું રહ્યું.


