– કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્ણયને 28મી જાન્યુઆરીએ ગોવાની બેઠકમાં બહાલી મળશે
– દક્ષિણના કપરાડાના ચાર ગામ અને સૌરાષ્ટ્રના એક ગામનો મર્યાદિત વિસ્તાર દાદરા અને નગર હવેલી તેમજ દિવ પ્રદેશમાં ભેળવવાની હિલચાલ
વલસાડ : ગુજરાતમાં ભલે દારૂબંધી હોય અને લોકો આસાનીથી કાયદેસરનો શરાબ પી શકતા નથી પરંતુ દક્ષિણ ગુજરાતના ચાર અને સૌરાષ્ટ્રમાં એક એવું ગામ છે કે જે હવે દારૂબંધી મુક્ત થશે.પ્રવાસન સ્થળ તરીકે ઉપયોગમાં લેવાનારા ચાર ગામમાં દારૂબંધી લાગુ નહીં પડે, એટલે કે આ ગ્રામ્ય વિસ્તારમાં દારૂ પી શકાશે.
ગુજરાતના દક્ષિણ વિસ્તારમાં દાદરા અને નગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશને અડીને આવેલા ચાર ગામો અને સૌરાષ્ટ્રના દરિયાકિનારે દીવના પ્રદેશની નજીક આવેલા ગામનો વિસ્તાર યુનિયન ટેરેટરીમાં સામેલ થશે ત્યારે આ વિસ્તારના ગામોને દારૂબંધીનો કાયદો નડશે નહીં.વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ચાર ગામો જે ટૂંકસમયમાં પડોશી કેન્દ્રશાસિત પ્રદેશનો ભાગ બનવાની સંભાવના છે.આ ગામ મેઘવાલ,નગર,રાયમલ અને મધુબન છે જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકિનારે આવેલા ગોઘલા ગામનો એક ભાગ દીવના પ્રદેશને સોંપવામાં આવનાર છે.આમ કુલ પાંચ ગામ એવાં છે કે જેમનો મર્યાદિત વિસ્તાર કેન્દ્રશાસિત પ્રદેશમાં ભળી જશે.
આ નિર્ણય કેન્દ્રના ગૃહ મંત્રાલયે કર્યો છે.ગોવામાં 28મી જાન્યુઆરીએ યોજાનારી પશ્ચિમી કાઉન્સિલની સ્થાયી સમિતિની બેઠકમાં આ નિર્ણયને બહાલી આપવામાં આવી શકે છે.આ નવા પ્રદેશો કેન્દ્રશાસિત થઇ જતાં ત્યાં ટુરિઝમ એક્ટિવિટીને વધારે મહત્વ મળશે.કપરાડા તાલુકાનું મેઘવાલ ગામ સંપૂર્ણપણે કેન્દ્રશાસિત પ્રદેશથી ઘેરાયેલું છે જ્યારે ત્રણ ગામો મધુબન જળાશય ને દાદરા નગર હવેલી વિસ્તારની વચ્ચે જોવા મળે છે.આ ગામો ચોમાસામાં પાણીમાં ડૂબી જાય છે ત્યારે તેમનો એકમાત્ર પ્રવેશ કેન્દ્રશાસિત પ્રદેશમાં રહે છે. આ ગામોને ગુજરાતમાંથી મુક્ત કરવાની માગણી વર્ષો જૂની છે જે હવે સાકાર થાય તેમ લાગી રહ્યું છે.
આ જ પ્રમાણે સૌરાષ્ટ્રના દીવને અડીને આવેલા એક ગામ ગોઘલા છે જે દીવ પ્રદેશને સોંપવામાં આવી શકે છે. એટલે કે આ ગામ સહિત દક્ષિણના ચાર ગામનો નિર્ણય થતાં આ ગામોના મર્યાદિત વિસ્તારમાં પ્રવાસન પ્રવૃત્તિને વેગ મળતાં સ્થાનિક રોજગારીની તકોનું સર્જન થશે.
કયા પાંચ ગામોને દારૂબંધીની છૂટ મળશે
દક્ષિણ ગુજરાતના ચાર ગામ મેઘવાલ,નગર,રાયમલ અને મધુબન જ્યારે સૌરાષ્ટ્રના ગોઘલા ગામનો સમાવેશ થશે.