રાજકોટ, : ભારતના 8249 ચો.કિ.મી.ના એરિયામાં આશરે સાડાચાર લાખની વસ્તી ધરાવતા આંદામાન નિકોબાર ટાપુ સમુહમાં વાવાઝોડાની પશ્ચાત્ અસર સાથે ત્રણ દિવસ પછી તા. 15 મે આસપાસ નૈઋત્યનું ચોમાસુ આવી પહોચે તેવી આગાહી આજે મૌસમ વિભાગે જાહેર કરી છે.આ સાથે ત્યાં તા. 14થી 16 તીવ્ર પવન સાથે વ્યાપક વરસાદની આગાહી કરાઈ છે.આંદામાનમાં ચોમાસુ બેસવાની સામાન્યત: તારીખ 22 મે કરતા આ ચોમાસુ આશરે એક સપ્તાહ વહેલુ આવી શકે છે.
દેશમાં આમ તો ચોમાસાનું આગમન કેરલથી થાય છે અને વિદાય કચ્છથી શરૂ થાય છે.22 મેથી 13 જૂલાઈ સુધીમાં ચોમાસુ સમગ્ર દેશમાં ફરી વળે છે.મૌસમ વિભાગે આ વર્ષે ચોમાસામાં વરસાદ સામાન્ય રહેવાની આગાહી કરી છે.ઉપરાંત ચોમાસુ દર વર્ષ કરતા થોડુ વહેલુ આવવાની પણ સંભાવના છે.ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ જૂનના બીજા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતના વલસાડથી થાય છે અને 20 જૂન સુધીમાં સૌરાષ્ટ્ર સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોને આવરી લે છે.જો ત્રણ દિવસ પછી નૈઋત્યનું ચોમાસુ નિયત સમય મૂજબ આગળ વધે તો ગુજરાતમાં 10 જૂન પહેલા જ ચોમાસુ શરૂ થઈ શકે છે.
ચોમાસાના આગમન પૂર્વે જીવજંતુઓની ગતિવિધિ, ગરમારા-ગુલમહોરના ફૂલો ખિલવા, ટીટોડી દ્વારા ઈંડા મુકવા સહિત દેશી પરંપરાગત પધ્ધતિએ અણસાર મેળવાય છે.હોળીની ઝાળ, અખાત્રીજનો પવન વગેરે પરથી જાણકારોએ ચોમાસુ મધ્યમ રહેવાની આગાહી કરી છે.વૈજ્ઞાાનિક રીતે હાલ ઉત્તર-પશ્ચિમ કે પશ્ચિમનો પવન ફૂંકાય છે તે દિશા બદલાઈને નૈઋત્યની (પશ્ચિમ-દક્ષિણ) દિશાની થશે, લૂ વર્ષાને બદલે 40-42 સે.તાપમાને પણ શરીરને પરસેવે નિતારી દેતો બફારો અનુભવાય છે, ભેજનું પ્રમાણ વધે છે, અને ગરમી અને ભેજ ભેગા થતા ક્યુમોનોલિમ્બસ પ્રકારના વાદળો બંધાય છે જે અચાનક ખાસ કરીને બપોર પછીના સમયે ધોધમાર વરસીને ગાયબ થઈ જાય છે.આવી ગતિવિધિઓ ચોમાસુ નજીક હોવાનો નિર્દેશ આપે છે.
તારીખ વિસ્તાર
22 મે આંદામાન
1 જૂન કેરલ
5 જૂન ગોવા
10 જૂન મહારાષ્ટ્ર
15 જૂન દ.ગુજરાત
20 જૂન સૌરાષ્ટ્ર સહિત
25 જૂન કચ્છ