તેલુગુ દેશમ પાર્ટીના ચીફ અને આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડૂની ધરપકડ કરવામાં આવી છે.આ વાતની જાણકારી ટીડીપીએ આપી હતી.ભ્રષ્ટાચાર મામલે CIDએ સવારે નાયડુ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.નાયડૂની વિરુદ્ધ વર્ષ 2021માં કેસ નોંધવામાં આવ્યો હતો.નાયડૂની આ ધરપકડ વોરંડ ઇશ્યૂ થયા બાદ કરવામાં આવી હતી.
નાયડૂના દિકરાની પણ અટકાયત કરવામાં આવી
નાયડૂની ધરપકડ ત્યારે કરવામાં આવી હતી જ્યારે તે એક કાર્યક્રમના કેમ્પમાં આરામ કરી રહ્યા હતા.તેમની ધરપકડ કરવા માટે નાંદયાલ રેન્જના ડીઆઈજી રઘુરામ રેડ્ડી અને CIDના નેતૃત્વમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ પહોંચી હતી.સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ચંદ્રબાબુ નાયડૂના દિકરા અને ટીડીપી નેતા નારા લોકેશની પણ પોલીસે અટકાયત કરી છે.ટીડીપીએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લોકેશનો વીડિયો શેર કરીને કહ્યું હતું કે પોલીસે તેમને લોકેશ અને ચંદ્રબાબુને મળવાથી રોકી લીધા છે.ચંદ્રબાબુને મેડિકલ તપાસ માટે નંદ્યાલ હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા,જો કે તેમણે ત્યા જવાની ના પાડી દેતા તેમની મેડિકલ તપાસ કેમ્પમાં જ કરવામાં આવી હતી.આજે ચંદ્રબાબુને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
શું છે મામલો?
પુર્વ મુખ્યમત્રી ચંદ્રબાબુ નાયડૂને આંધ્ર પ્રદેશ સ્ટેટ સ્કિલ ડેવલપમેન્ટ કૌભાંડમાં મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે.આ કૌભાંડમાં તેના પર કરોડો રૂપિયાની ઉચાપતનો આરોપ છે.સ્ટેટ સ્કિલ ડેવલપમેન્ટની સ્થાપના વર્ષ 2016માં TDP સરકારના કાર્યકાળ દરમિયાન કરવામાં આવી હતી,જેનો ઉદ્દેશ્ય બેરોજગાર યુવાનોને તેમની રોજગાર ક્ષમતા વધારવા માટે કૌશલ્ય પ્રશિક્ષણ આપીને સશક્ત બનાવવાનો હતો.