– જો કે આઠ સપ્તાહમાં ૨૫ કરોડ જમા કરાવવાનો આદેશ
– અવુલાપલ્લી જળાશયના નિર્માણ માટે પર્યાવરણીય સંબધી નિયમોના ભંગ બદલ એનજીટીએ દંડ ફટકાર્યો હતો
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે અવુલાપલ્લી જળાશયના નિર્માણ માટે પર્યાવરણીય સંબધી નિયમોનું ભંગ કરવાના કેસમાં આજે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો.સુપ્રીમ કોર્ટે અવુલાપલ્લી જળાશય પરિયોજના માટે પર્યાવરણીય મંજૂરી પ્રાપ્ત કરવાના કેસમાં આંધ્ર પ્રદેશ સરકાર પર ૧૦૦ કરોડ રૃપિયાનો દંડ ફટકારવાના નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)ના આદેશ પર સ્ટે મૂકી દીધો છે.ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને ન્યાયમૂર્તિ એમ એમ સુંદરેશની ખંડપીઠે જણાવ્યું હતું કે અપીલકર્તાઓ દ્વારા ૨૫ કરોડ રૃપિયા આજથી આઠ સપ્તાહની અંદર જમા કરાવવાને આધીન દંડ અંગેના ચુકાદા પર સ્ટે રહેશે.
સ્ટેટ લેવલ એન્વાયરોમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ ઓથોરિટી (એસઇઆઇએએ) દ્વારા આંધ્ર પ્રદેશમાં અવુલાપલ્લી જળાશયને આપવામાં આવેલી પર્યાવરણીય મંજૂરી રદ કરવા અને રાજ્યના જળ સંશાધન વિભાગ પર ૧૦૦ કરોડ રૃપિયાનો દંડ ફટકારવાના એનજીટીના આદેશની વિરુદ્ધ દાખલ કરાયેલી અપીલની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે વચગાળાનો આદેશ આપ્યો હતો.એનજીટીએ પોતાના આદેશમાં જણાવ્યું હતું કે આ એક ખૂબ જ હેરાન કરવાવાળી બાબત છે કે એક સરકારી વિભાગ પર્યાવરણ કાયદાનો ભંગ કરી જૂઠ,ખોટા નિવેદનોે તથા એસઇઆઇએએ સાથે વિશ્વાસઘાત કરી એક સિંચાઇ પરિયોજનાને અમલમાં મૂકવા માટે આટલી હદ સુધી જઇ શકે છે.

